છેલ્લા કેટલાંક મહીનાથી વિશ્વના અગ્રણી હૃદયરોગ નિષ્ણાંતો દ્વારા તેમના અભિપ્રાયો, વિશ્લેક્ષણો અને તારણો દ્વારા એવું પ્રતિપાદન કરવામાં આવેલ છે કે રોજ થોડા પ્રમાણમાં (એક કે બે પેગ) આલ્કોહોલ (શરાબ) પીવાથી હૃદયરોગના હુમલાવાળાને તથા લો-બ.પી. વાળાને (તથા હૃદયરોગથી બચવા માટેના ઉપાય તરીકે) ફાયદો થાય છે. મહદઅંશે આ સંશોધનો પશ્ચિમ દેશોના નિષ્ણાંતોના છે. તેમા સત્યનો થોડો અંશ હશે, પરંતુ તે હકિકતને વિકૃત સ્વરૂપે રજૂ કરી દારૂથી થતાં ભયંકર નુકશાનનું પાસું ઢાંકી દઈ સામાન્ય લોકોના મનમાં એવું ઠાસવાય છે કે એક બે બે પેગ પીવામાં વાંધો નથી… આ ઘણું ગેરમાર્ગે દોરનારૂ છે. દારૂથી થતાં ફાયદા- ગેરફાયદાને તેના વિશાળ પરિપેક્ષમાં જોઈ તેનાથી બચવું જરૂરી છે. ગાંધીજી દારૂબંધીના સખત હિમાયતી હતાં. ઈસ્લામ ધર્મ દારૂ પીવો તેને ગુનાહે કબીરા (મહાન ગુનો) ગણી દારૂ પીવો કે નશો કરવો હરામ કહ્યો છે. અન્ય ધર્મો પણ દારૂ પીવાની મનાઈ કરે છે.
અપવાદરૂપે કેટલાંક હૃદયરોગી કે લો-બી.પી. વાળાને થોડે અંશે રોજ થોડો શરાબ પીવાથી થોડો ફાયદો છે, તેનો અર્થ એ નથી કે લો બી.પી. (લોહીનું નીચું દબાણ) તથા હાર્ટ એટેકવાળાને અન્ય ઉપાયોને બદલે આવી ખતરનાક દવાની સલાહ આપવી. ઉપરાંત તજજ્ઞો પણ માને છે કે દારૂની આદત (એડીકશન) પડી જાય છે. અને તેની માત્ર (ડોઝ) કાળક્રમે વધારવાની મજબુરી ઉભી થાય છે. તેથી એક-બે પેગ પીનારા પ-૬ પેગ પીવા માંડે છેુ અને લીવર, મગજ, જ્ઞાતંતુ હોજરી વગેરે અનેક અવયવોનાં જીવલેણ રોગોનો ભોગ બની, આર્થિક, સામાજિક અને નૈતિક પતનનાં માર્ગે જાય છે. હૃદયરોગ માટે અન્ય સાત્વીક ઉપાયો કયાં ઓછા છે કે આવા ભયંકર અને નુકશાનકારક ઉપાયો અજમાવવાં…???… બેઠાડું જીવનનો ત્ય્ગ, મેદ ઘટાડવો, બી.પી., ડાયાબીટીસ વગેરે કાબુમાં રાખવા, સાદો સમતોલ આહાર, ચિંતા, તાણ, ગુસ્સો તથા વેરવૃત્તિ છોડવાં, ધાર્મિક બની, સંતોષી બની, લોભ, સ્વાર્થ છોડી સાદુ જીવન, ઉચ્ચ વિચારો વગેરે ઉપાયો મહામુલા હૃદયને વધુ ફાયદો કરશે. જો કે આવી કડવી સલાહ કરતાં નશો કરવાની મીઠી પણ ઝેરી સલાહ સામાન્ય્ લોકોને વધુ પ્રલોભન આપે તે સ્વાભાવિક છે. મેડિકલ જનરલમાં પ્રસારિત થતાં લેખોના અનુવાદ કરી તેનો હેતુ ન જળવાય એ રીતે માતૃભાષામાં પણ રજુ કરાય છે. જેનો પ્રચાર – માધ્યમો દ્વારા પોતાની પ્રોડકટ વેચવા માટે દારૂ વેચનારા ખોટી રજૂઆત કરવાની લોકોને ગેરમાર્ગે દોરે છે.
ઉપરાંત આપણો દેશ ગરમ દેશ છે. યુરોપ, અમેરિકા, રશિયા જેવા ઠંડા દેશોની સરખામણી ન કરાય. જો કે હાલ તો યુરોપ, અમેરિકામાં વસતાં ઘણા ભારતીયોએ (સ્વામી નારાયણ સંપ્રદાય, મુસ્લિમ સંપ્રદાયો, જૈનો અને હિન્દુઓ) પણ મોટી સંખ્યામાં દારૂ છોડ્યો છે. અને છોડી રહ્યા છે. ટુંકમાં ખુબ જ થોડાં ફાયદા માટે મોટો ગેરફાયદો સ્વીકારે એ સાચો ગુજરાતી કે સમજદાર માણસ કેમ ગણાય ?
અંતમાં દરેકને મારી હૃદયપૂર્વ્કની આગ્રહભરી વિનંતી છે કે જુદાં જુદાં માધ્યમો (મીડિય) જેવા કે વર્તમાનપત્રો, સામયિકો, કેટલીક ટી.વી. ચેન્લસ તથા કેટલાંક મહાનુભાવો (કલાકારો તથા રમતવીરો)ની આવી ભ્રામક પ્રચાર પ્રપંચજાળમાં ફસાઈને બરબાદીનું નિમિત્ત ન બનો. કારણ કે માત્ર બે પેગમાં શું ? ની વૃત્તિ મોટાભાગના લોકોને બેહાનલ બનાવી શકે છે.
વાલીઓ શિક્ષકો વગેરેને દર્દભરી હાર્દિક અપીલ
બાળકો તથા યુવાનોની હાજરીમાં કદી પણ વ્યસન ના કરવું. જો ન જ રહી શકો તો એકાંતમાં દુર જઈને બાળકને ખબર ન પડે તે રીતે વ્યસન કરો. જાહેરમાં વ્યસન ના કરો. વ્યસનમાં તમો ફસાયા છો. પરંતુ બીજા તેમાં ન ફસાયા તેવું કંઈક કરી આ રીતે પશ્વાતાપ કરો. પેસીવ સ્મોકિંગ (પરોક્ષ ધુમ્રપાન)ના ગંભીર પરિણામો બરાબર જાણી લેવા. કેટલાંક વ્યસનીઓ પણ વ્યસનમુક્તિનો પ્રચાર કરે છે. અને કહે છે. અમો તો બુરી રીતે ફસાણા છીએ તેમ બચજો આ પ્રચારની અસર સારી થયાનું અને આવા વ્યસનીઓના વ્યસનો ઘટયા અને છૂટયા હોવાના દાખલાઓ નજરોનજર જોયા છે. ઘરમાં તો બને ત્યાં સુધી વ્યસન જરા પણ ના કરો. પ્રેકટીકલ ટીપ્સ : આ વિષયના નિષ્ણાંતો ધીરે ધીરે છતાં મક્કમતાથી વ્યસનો છોડવાનો આગ્રહ રાખે છે. આખીને બદલે અડધી સીગરેટ પીવી, વધેલી અર્ધી લોભ કર્યા વિના ફેંકી દેવી, વ્યસની મિત્રથી દુર રહેવું. જે ચીજથી વ્યસનની તલપ લાગે તે પણ ઓછી કરવી. દા.ત. ચા, મીઠાઈ વગેરે. સિગારેટ તમાકુની દુકાન તરફ જુઓ નહીં. ખીસ્સામાં આંબાળ, ધાણાદાળ, વરીયાળી ર૪ કલાક રાખો. તલપ લાગે તો કામ આવે. તલપ લાગે તો થોડું ચલો, વ્યસન મુક્તિની પુસ્તિકાનું એક પાનું વાંચી નાખો. એક કાગળમાં વ્યસનોના ગેરફાયદા લખો. વાંચો અન્યને વંચાવો. પેસીવ સ્મોકિંગથી ઘરના પ્રિયજનોને હાની પહોંચાડી છે તેનો આત્મડંખ રોજ રોજ અનુભવો.