પાણીપુરી ધંધાર્થીઓ પર આરોગ્ય વિભાગના દરોડાથી ભારે ચકચાર

1298

અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં પાણીપુરીના વિક્રેતાઓ સામે આજે આક્રમક કાર્યવાહી કરવામાં આવી હતી જેના પરિણામ સ્વરુપે ખળભળાટ મચી ગયો હતો. વડોદરા, રાજકોટ, સુરત, બનાસકાંઠા અને અન્ય જુદા જુદા વિસ્તારોમાં આક્રમક કાર્યવાહી કરવામાં આવી હતી. ખાદ્યપદાર્થોનો નાશ પણ કરવામાં આવ્યો હતો. વડોદરા, રાજકોટમાં તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી હતી. બંને જગ્યાઓ ઉપર પાણીપુરીના ધંધાર્થીઓ ઉપર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. વડોદરાથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગંદગીથી ગ્રસ્ત રહેતા વિસ્તારોમાં બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અખાદ્ય તેલમાંથી બનાવવામાં આવેલી પાણીપુરી, અખાદ્ય તેલ, સડી ગયેલા બટાકાનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાસી ગયેલા ચણા અને દૂષિત પાણીથી બનાવવામાં આવેલી પાણીપુરીનો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો હતો. દુષિત પાણીનો જથ્થો પણ નષ્ટ કરાયો હતો. એવું જાણવા મળ્યું છે કે, વડોદરા શહેરમાં પાણીપુરી ગંદગીથી ગ્રસ્ત વિસ્તારમાં બનાવવામાં આવે છે. ગંદગીવાળા વિસ્તારોમાં પાણીપુરી બનાવવામાં આવી રહી હોવા છતાં આ પાણીપુરીને શોખીન લોકો કોઇપણ વિસ્તારમાં ટેસ્ટથી ખાતા નજરે પડે છે. ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે પાણીપુરીના કારણે રોગચાળો ફાટી નિકળવાની દહેશત પણ દેખાઈ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો દ્વારા આજે આક્રમક કાર્યવાહી કરવામાં આવી હતી. હુજરાત  પાગા, હાથીખાના, તુલસીવાડી, સમા, છાણીગામ, ખોડીયારનગર, નવા યાર્ડ, વારસિયા નરહરી ટેકરી, સુદામાનગર, તુલસીની ચાલી સહિતના વિસ્તારોમાં એકાએક દરોડા પાડવામાં આવ્યા હતા. ૫૦થી વધુ પાણીપુરી બનાવતા યુનિટોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. ૪૦૦૦ કિલોથી વધુ પાણીપુરીનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના કહેવા મુજબ આગામી દિવસોમાં પણ આ કાર્યવાહીનો દોર જારી રહેશે. પાણીપુરીથી ફેલાતા રોગચાળાને લઇને ધ્યાને આવતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આવી ચીજવસ્તુઓ ખાવાથી પેટના રોગ થઇ રહ્યા છે. વાસી બટાકા, ચણા અને પાણીનો જથ્થો નષ્ટ કરવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના લોકોનું કહેવું છે કે, આ કાર્યવાહી આગામી દિવસોમાં જારી રહેશે અને જો જરૂર પડશે તો પ્રતિબંધ પણ મુકવામાં આવશે. નોટિસો પણ ફટકારવામાં આવશે. હાલમાં કોઇપણ જરૂરીયાત દેખાઈ રહી નથી.

સમય આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ રાજકોટમાં પણ આ કાર્યવાહી આજે હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં જુદા જુદા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોમાં આને લઇને ચર્ચા જાગી હતી.

Previous articleભાજપ મહિલા મોરચા દ્વારા ગુરૂપુજન
Next articleNMC બિલના વિરોધમાં રાજ્યભરના ર૬ હજારથી વધારે ડોકટરો હડતાળમાં જોડાશે