દિવાળી વેકેશનનું બુકિંગ શરૂ કરાતા મોટાભાગની ટ્રેન ફુલ

1863

દિવાળીના તહેવારોને હજુ તો ત્રણ મહિનાની વાર છે તે પહેલાં જ દિવાળી વેકેશનનું બુકીંગ સ્ટાર્ટ થતાંની સાથે જ મોટાભાગની ટ્રેનો ફુલ થઇ થયેલી જોવા મળી હતી. જેમાં ખાસ તો સૌથી વધુ ઉત્તર ભારત જતી ટ્રેનો હાઉસફુલ થવા લાગી છે. હરવા-ફરવા માટે પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ જવા માટે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ તો ઠીક પણ સેકન્ડ સ્લીપર ક્લાસમાં પણ ઊંચા વેઇટિંગ બોલાઇ રહ્યાં છે. જેમ જેમ દિવાળીના દિવસો નજીક આવશે તેમ તેમ ટ્રેનોમાં ટિકિટ મળવી વધુ મુશ્કેલ બનશે તેવું હાલની પરિસ્થિતિ પરથી તો લાગી રહ્યું છે. દિવાળીના વેકેશનમાં લોકો પરિવાર સાથે રજાઓની મોજ માણવા અને હરવા-ફરવા જતા હોય છે. તો બહારગામ કે બીજા રાજયમાં રહેતો પરિવાર દિવાળીના દિવસોમાં પોતાના વતન અને પ્રદેશમાં જતા હોય છે જેને લઇને દિવાળી પહેલેથી જ વિવિધ ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો રહેતો હોય છે. જેને પહોંચી વળવા રેલ્વે તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને દિવાળીમાં તો, અલગ ટિકિટ બુકીંગની વ્યવસ્થા કરાતી હોય છે. દેશમાં સૌથી વધુ જે ક્ષેત્ર તરફ ધસારો નોંધાય છે તેની વાત કરીએ તો, ખાસ કરીને ઉત્તર ભારત તરફ ફરવા જવા માટે યાત્રિકોનો ધસારો વધી રહ્યો છે. આ રૂટની મોટા ભાગની ટ્રેનોમાં પ૦થી ર૭૦ સુધીનું વેઇટિંગ પહોંચ્યું છે.

દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ ફરવા જવા માટે લોકો અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે. દિવાળીનું બુકિંગ ખૂલતાં જ મોટા ભાગની ટ્રેનો ફુલ થઇ રહી છે. દિવાળી, નાતાલ કે ઉનાળુ વેકેશન હોય, ગુજરાતીઓનો ફરવા જવાનો શોખ તમામ વેકેશનમાં દેખાઇ આવે છે. ગુજરાતીઓની ફરવા જવા માટેની ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં પહેલી પસંદ ટ્રેનની રહે છે. મુસાફરો ત્રણ મહિના અગાઉ ટ્રેનમાં પ્રવાસ માટે બુકિંગ કરાવી દેતા હોય છે. હાલમાં દહેરાદૂન-ઉત્તરાંચલ એક્સપ્રેસમાં સ્લીપર ૩ર૪ અને એસી ૮ર સીટનું વેઇટિંગ છે. જ્યારે વારાણસી એક્સપ્રેસમાં એસી અને સ્લીપરનું મળીને કુલ ૩૪રનું વેઇટિંગ છે. હાવરા એક્સપ્રેસમાં ૩ર૩, કટરા-વૈષ્ણોદેવી એક્સપ્રેસમાં ૧૧૬, મુઝફ્‌ફરનગર-મોતીહારી એક્સપ્રેસમાં રર૧, ગોરખપુર એક્સપ્રેસમાં ૧પ૬ અને ગુવાહાટી એક્સપ્રેસમાં રર૩નું વેઇટિંગ ચાલી રહ્યું છે. આમ, હરવા-ફરવા માટે પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ જવા માટે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ તો ઠીક પણ સેકન્ડ સ્લીપર ક્લાસમાં પણ ઊંચા વેઇટિંગ બોલાઇ રહ્યાં છે. આગામી દિવસોમાં આ પરિસ્થિતિ મુસાફરો માટે વધુ મુશ્કેલભરી બની રહે તેમ જણાઇ રહ્યું છે.

Previous articleગુજરાત પોલીસ માત્ર નાગરિકોની સુરક્ષા કરે છે એવું નથી પર્યાવરણ સુરક્ષાની પણ ચિંતા કરે છે : પ્રદિપસિંહ જાડેજા
Next articleસર્વોત્તમ ડેરી દ્વારા જિલ્લામાં એક લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ