મગફળી કાંડ : નાફેડ ચેરમેનના ભત્રીજા સહિત ૨૨ની ધરપકડ

1158

રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલા ગામે નાફેડે ભાડે રાખેલા ગોડાઉનની મગફળીમાંથી ધૂળ, માટીના ઢેફા નીકળવાના રાજયભરમાં ખળભળાટ મચાવનારા કૌભાંડમાં આજે આખરે પોલીસે નાફેડના ચેરમેન વાઘજી બોડાના ભત્રીજા રોહિત બોડા સહિત ૨૨ આરોપીઓની ધરપકડ કરતાં રાજયભરમાં ભારે ચકચાર મચી ગઇ છે. મગફળી કૌભાંડના ભારે વિવાદ અને વિપક્ષ કોંગ્રેસ દ્વારા લગાવાયેલા ગંભીર આરોપો બાદ આખરે સરકારને આ સમગ્ર મામલામાં આકરી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં નાફેડના ચેરમેન વાઘજી બોડાનો કૌટુંબિક ભત્રીજો રોહિત બોડા, સૌરાષ્ટ્ર વેરહાઉસના મેનેજર મગન જાલાવડિયા, ધણેજ સહકારી મંડળીના પ્રમુખ કાળુભાઇ, ચારથી વધુ અધિકારીઓ અને સહકારી મંડળીના ૧૫થી વધુ શખ્સોનો સમાવેશ થાય છે. મગફળી કૌભાંડમાં સરકાર અને પોલીસના સપાટાને પગલે રાજયના સહકારી આલમમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.

રાજકોટ જિલ્લા પોલીસ વડાની સીધી નીગરાની હેઠળ સમગ્ર મામલાની તપાસ હાથ ધરાઇ હતી અને આખરે ધરપકડનો સપાટો બોલાવાયો હતો. રાજયમાં ખળભળાટ મચાવનારા આ મગફળી કૌભાંડની વિગતો એવી છે કે, ગત તા.૩૧ જુલાઇના રોજ ફરિયાદી અને સૌરાષ્ટ્ર ઝોન વેરહાઉસિંગના મેનેજર મગનભાઇ નાનજીભાઇ જાલાવડીયાએ જેતપુરના પેઢલા ગામના ગોડાઉનમાં ધણેજની સહકારી મંડળીએ ખરીદ કરેલી મગફળીમાં ધૂળ અને કાંકરી નીકળતા જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ૩૧ હજાર મગફળીની ગુણીમાં ભેળસેળ થયાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આથી પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓની પૂછપરછમાં મગન જાલાવડિયા સહિતનાઓના નામ કૌભાંડમાં ખુલ્યા હતા અને ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીએ જે તે સમયે હોબાળો કરતા પોલીસને તેના પર શંકા ગઇ હતી. તપાસમાં ગુજકોટ અને નાફેડના લોકોના બેદરકારી સામે આવી હતી. એટલું જ નહી, પેઢલા ગોડાઉનમાં મગફળીમાં ધૂળ અને માટીની ૨૨થી ૨૫ ટકા જેટલી ભેળસેળ કરાઇ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો. ચકચારભર્યા આ કૌભાંડમાં સરકારની સૂચના અને નિર્દેશ બાદ પોલીસે આજે ખુદ નાફેડના ચેરમેનના ભત્રીજા રોહિત બોડા સહિત ૨૨ આરોપીઓની ધરપકડ કરી હતી. ગોંડલ વેરહાઉસમાં લાગેલી આગમાં પણ આરોપી મગન જાલાવડિયાની ભૂમિકા હોવાની શંકા સેવાઇ રહી છે. તે અંગે પણ આકરી પૂછપરછ કરવામાં આવશે, તેમજ આવું બીજા ક્યાં ગોડાઉનમાં કરવામાં આવ્યું છે તે અંગે પોલીસ સઘન પૂછપરછ હાથ ધરશે. સહકારી મંડળીના સભ્યોએ ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળીમાં બારોબાર ભેળસેળ કરી એસડબલ્યુએચસીના ગોડાઉનમાં જમા કરાવી દીધી હતી. સર્વેયર તરીકે જેમને આ મગફળીની ક્વોલિટી ચેક કરવાની હતી તેણે પણ પોતાની ફરજમાં બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે. મંડળી દ્વારા સારી ક્વોલિટીની મગફળી બારોબાર ક્યાં સગેવગે કરવામાં આવી છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હવે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે.

Previous articleયુજીસી-સીમેટ, જીપેટ સહિતની તમામ પરીક્ષા હવે ઓનલાઇન
Next articleજસ્ટિસ એમ.આર. શાહ પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા