જસ્ટિસ એમ.આર. શાહ પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા

1429

ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ અને બાહોશ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહની ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આખરે પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુકિત કરવામાં આવી છે. હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી મુકેશકુમાર રસિકભાઇ શાહની પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુકિત થતાં સમગ્ર ન્યાયતંત્ર અને કાયદાશાખાના પદાધિકારીઓ અને સરકારના મહાનુભાવો તરફથી તેમની પર અભિનંદની શુભેચ્છા-વર્ષા પાઠવવામાં આવી હતી. જસ્ટિસ એમ.આર.શાહ આગામી દિવસોમાં પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે તેમનો નવા હોદ્દાનો પદભાર સંભાળે તેવી શકયતા છે. અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા હોય કે બિસ્માર રસ્તાઓની વાત, સાદીક જમાલ એન્કાઉન્ટર કેસ હોય કે, પછી પ્રજાજનોના આરોગ્ય અને પ્રાથમિક બુનિયાદી સુવિધાઓની વાત હોય..અનેકવિધ બાબતોને લઇ ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહે અનેક સીમાચિહ્નરૂપ અને દૂરોગામી અસરો પાડનારા અતિ મહત્વના ચુકાદાઓ આપી સમગ્ર ન્યાયતંત્રમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું હતું. તેમની આ અસાધારણ કામગીરીથી પ્રભાવિત થઇને જ સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા જસ્ટિસ એમ.આર.શાહને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બઢતી આપવામાં આવી છે, જે નોંધનીય અને ઘણી મહત્વની મનાઇ રહી છે.

ગત તા.૧૬-૫-૧૯૫૮ના રોજ જન્મેલા જસ્ટિસ એમ.આર.શાહે સને ૧૯૮૨માં ગુજરાત યુનિવર્સિટી ખાતેથી એલએલબી પૂર્ણ કર્યું હતું. તા.૧૯-૭-૧૯૮૨ના રોજ તેમણે ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત તરીકેની પ્રેકટીસ શરૂ કરી હતી. કાયદાક્ષેત્રના તેમના બહોળા અનુભવ અને બાહોશ રીતે કેસ ચલાવવાના તેમના આગવા અંદાજને લઇ કેન્દ્ર સરકારના એડિશનલ સ્ટેન્ડીંગ કાઉન્સેલ, સીબીઆઇના સ્પેશ્યલ કાઉન્સેલ તરીકે પણ તેઓ નીમાયા હતા. આ સિવાય વિવિધ મ્યુનિસિપાલિટી, નગરપાલિકાઓ, પંચાયતો, શૈક્ષણિક સંસ્થાઓ અને ઇન્શ્યોરન્સ કંપનીઓના કાઉન્સેલ તરીકે પણ તેમણે મહત્વપૂર્ણ સેવાઓ આપી હતી.

જાહેરહિતને લગતી અને બંધારણીય મહત્વતા ધરાવતા સંખ્યાબંધ કેસો સફળતાપૂર્વક ચલાવ્યા બાદ આખરે તા.૭-૩-૨૦૦૪ના રોજ જસ્ટિસ એમ.આર.શાહની ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે મહત્વની નિમણૂંક કરવામાં આવી હતી અને તા.૨૨-૬-૨૦૦૫ના રોજ તેઓ હાઇકોર્ટના કાયમી જજ તરીકે નિયુકત થયા હતા. ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન તેમણે શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા, બિસ્માર અને તૂટેલા રસ્તાઓ, ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિતના રોગચાળો, સાદીક જમાલ એન્કાઉન્ટર કેસ સહિતના વિવિધ એન્કાઉન્ટર કેસ-અરજીઓ, ઇલેકશન મેટર્સ, સિવિલ સર્વિસીસ, લેબર લોઝ, બંધારણીય મુદ્દાઓને લગતા કેસો સહિતના સંખ્યાબંધ કેસોમાં અતિમહત્વના અને સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપ્યા છે.

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં સરકારી સીસ્ટમ હોય કે અમ્યુકો તંત્રની વ્યવસ્થા તેને સુધારવામાં અને નાગરિકોની જાહેર સુખાકારી અને આરોગ્યવિષયક સેવા માટે જસ્ટિસ એમ.આર.શાહના આ ચુકાદાઓ ઘણા જ ઉપયોગી અને આશીર્વાદસમાન બની રહ્યા છે. તાજેતરમાં શહેરમાં બિસ્માર રસ્તાઓ, આડેધડ પાર્કિંગ અને રખડતા ઢોરોની સમસ્યાને લઇ જસ્ટિસ એમ.આર.શાહે અમ્યુકો, પોલીસ તંત્ર સહિતના સત્તાધીશોને કરેલા અસરકારક નિર્દેશોનું જ પરિણામ છે કે, હાલ અમદાવાદ શહેર રાજયના મોટા શહેરોમાં ટ્રાફિક નિયમન, આડેધડ પાર્કિંગ, ગેરકાયદે બાંધકામો-દબાણો દૂર કરવા અંગે  અસરકારક ડ્રાઇવ ચાલી રહી છે. જસ્ટિસ એમ.આર.શાહના બાહોશીભર્યા અંદાજ અને જ્ઞાનસભર તેમ જ અભ્યાસુ ચુકાદાઓને લઇને માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશના ન્યાયતંત્રમાં તેમણે એક અનોખુ ઉદાહરણ અને પ્રેરણા પૂરા પાડયા છે. ન્યાયતંત્ર, વકીલઆલમ, સરકારી તંત્ર સહિતના તમામ ક્ષેત્રોના મહાનુભાવો દ્વારા જસ્ટિસ એમ.આર.શાહને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકેની નિયુકિત બદલ હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યા હતા. દરમ્યાન  સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જસ્ટિસ અને હાલ રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવતાં જસ્ટિસ કલ્પેશભાઇ એસ.ઝવેરીને પણ ઓરિસ્સા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બહાલી આપી હોઇ રાષ્ટ્રપતિ દ્વારા તે અંગેનું પણ જાહેરનામું જારી કરાયું હતું. જસ્ટિસ ઝવેરી પણ તેમનો નવો પદભાર ટૂંક સમયમાં જ સંભાળી લેશે.

Previous articleમગફળી કાંડ : નાફેડ ચેરમેનના ભત્રીજા સહિત ૨૨ની ધરપકડ
Next articleભાગેડુઓને લોન કોંગ્રેસના જ દબાણથી અપાઈ હતી : ભાજપ