રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર કચેરી દ્વારા વ્યાયામ જ્યોર્તિધર અંબુભાઇ પુરાણી એવોર્ડ વિતરણ કરતાં રાજ્યના રમત ગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અખાડાના શ્રેષ્ઠ ૨૦ સંચાલકોને એવોર્ડ અર્પણ કરતા જણાવ્યું હતું કે, વ્યાયામ શાળા એટલે કે અખાડા એ રાષ્ટ્રભક્તિનો પર્યાય છે. આઝાદીના સમયથી અખાડાની પ્રવૃત્તિને વેગવંતી બનાવનાર વ્યાયામ સંચાલકો રાષ્ટ્રને સશક્ત નાગરિકો તૈયાર કરી દેશની આઝાદી માટે પ્રેરણા પુરી પાડી હતી.
વડોદરામાં ગાયકવાડ સરકારે તે સમયમાં ત્રણ લાખનો ખર્ચ કરી ૧૦૦ પહેલવાન તૈયાર કર્યા હતાં. મહારાષ્ટ્રમાં સ્વામી રામદાસે સ્વરાજ્ય માટે સશક્ત નાગરિકો તૈયાર કરવા ૧૨૦૦ જગાએ હનુમાન મંદિરો અને તેજ સ્થળે વ્યાયામની પ્રવૃત્તિને વેગ આપવા અખાડા તૈયાર કર્યા હતાં. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ પ્રયાસોથી ખેલો ઇન્ડિયા સ્પર્ધાઓમાં ૯૯ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું હતું.
આ પ્રયોગો તેમણે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, યોગ, શક્તિદૂત યોજના, કબડ્ડી જેવી યોજનાઓનો પરિચય આપી વધુમાં વધુ લોકોને રમત ગમત પ્રવૃત્તિમાં સક્રિય બનવા અનુરોધ કર્યો હતો.
પ્રારંભમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કમિશનર એમ.એ.ગાંધીએ સ્વાગત પ્રવચન કરી કચેરીની વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. અખાડાની પ્રવૃત્તિઓનો વધુમાં વધુ વ્યાપ થાય અને લોકોનું શારિરીક સૌષ્ઠવ જળવાઇ રહે તે માટે આવી રમત લક્ષી પ્રવૃત્તિને ઉત્તેજન આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના ૨૦ લાભાર્થીઓને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ આપી મંત્રીના હસ્તે દરેક લાભાર્થીને રૂા.૫૧,૦૦૦નો પુરસ્કાર, ઉપવસ્ત્ર, સાલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.