પેઢલા મગફળી કૌભાંડ અંગે સીટીંગ જજ દ્વારા તપાસની માંગ સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણી અલગ-અલગ સ્થળોએ ધરણા કરી રહ્યા છે. આજરોજ ચોથા દિવસે તેમણે શહેરના જુના માર્કેટીંગ યાર્ડ ખાતે ધરણા શરૂ કર્યા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે મગફળી કૌભાંડમાં દાળમાં કંઈક કાળું નહીં પરંતુ દાળ જ કાળી છે. આ કૌભાંડમાં મગફળીમાં માટી ભેળવી છે કે માટીમાં મગફળી તે મુદ્દે ઉંડી તપાસ કરવાની માંગ પણ તેમણે કરી હતી.
વધુમાં તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, પુર્વ મંત્રી ચીમન સાપરિયાની મંડળી સહિત તમામ ગોડાઉન અને મંડળીમાં તટસ્થ રીતે તપાસ થવી જોઇએ. આ આંદોલન આગામી સમયમાં વધુ ઉગ્ર બનાવી ગામેગામના ખેડુતો સુધી લઈ જવામાં આવશે. આજે ઘરણાનો ચોથો દિવસ હોવા છતા સરકાર સીટીંગ જજ દ્રારા તપાસ કરવાનું જાહેર કરતી નથી. જેને લઈને સરકાર સીધી કે આડકતરી રીતે પોતે આ કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું લાગી રહ્યું છે.