મગફળી કૌભાંડના વિરોધમાં વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ગઇકાલે રાજકોટમાં ધરણા કર્યા બાદ આજે ગાંધીનગરમાં પોતાના કાર્યાલયમાં પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. તેમણે સરકાર મોટા માથાઓને છાવરવા પ્રયાસ કરી રહ્યાનો આક્ષેપ કર્યો છે.
પરેશ ધાનાણીએ જણાવેલ કે ભાજપ સરકારને ખેડૂત વિરોધી નીતિ-ભ્રષ્ટાચારી નીતિઓના ભોગે ગુજરાતના લાખો ખેડૂતો ભોગ બની રહ્યા છે. રાજયમાં કઇ આઠ સંસ્થાઓને ખરીદીના કેન્દ્રો સોંપ્યા હતા ? કયાંથી કેટલો માલ ખરીદાયો ? કોને અપાયો ? કયા ગોડાઉનમાં મગફળીનો કેટલો જથ્થો છે ? મારે સરકારને સવાલ પુછવો છે કે ચાર હજાર કરોડના આ કૌભાંડને ચૂંટણી પહેલા માત્ર રાજકીય રોટલા શેકવા, ખેડૂતોને ભરમાવવા શરૂ કર્યો હતો. આજે પાંચ લાખ ટન મગફળી ખેડૂતોના ઘરમાં પડી છે. લેનાર કોઇ નથી અને પાણીના ભાવે ખેડૂત લૂંટાય છે. મારે સરકારને પૂછવું છે કે આજે ઉપવાસનો પાંચમો દિવસ છે. જો સરકાર દૂધે ધોયેલી હોય તો ન્યાયીક તપાસ આપતા કેમ અચકાય છે મને લાગે છે કે ચાર હજાર કરોડના આ કૌભાંડમાં મજૂરોને ગુનેગાર બનાવી, ફરીયાદીને આરોપી બનાવી અને જેલમાં પૂરી આ ચાર હજાર કરોડના કૌભાંડ પર સરકાર પડદો પાડવા ઇચ્છે છે. માછલીઓ પકડવામાં આવી છે અને મગરમચ્છો ખુલ્લા ફરી રહ્યા છે. તેના વિરોધમાં આજે ગાંધીનગરમાં ધરણા છે.
મગફળી કૌભાંડ : વધુ પાંચ આરોપીઓની ધરપકડ
જેતપુરના પેઢલા ગામ નજીકના જયશ્રી ઈન્ટરનેશનલ રો હાઉસ નામના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીના જથ્થામાં થયેલા મહાકૌભાંડમાં એક પછી એક ધડાકા થતા રહે છે. મગફળી મામલે પોલીસ અને સરકાર એક્શનમાં આવી ગઈ છે. આજે પણ વધુ ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સથે મગફળી કૌભાંડ મામલે ગુજકોટના ૪ અધિકારી સહિત ૨૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ૨૨ આરોપીઓ પૈકી ૧૮ સભ્યો ધણેજ મંડળી સાથે જોડાયેલા જાણવા મળ્યું છે. હાલ પોલીસે ધરપકડ કરાયેલ લોકોમાં માનસિંહ સહિત માનસિંગ લાખાણી, ધીરૂ જેઠવા, હમીર જેઠવાની, દેવદાન જેઠવા અને ગીગન ચૂડાસમાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જેતપુરની મગફળી કૌભાંડમાં ૨૭ લોકોની ઘરપકડ કરી છે.