શહેરમાં દિવસને દિવસે વધી રહેલા ટ્રાફિક અને વરસાદી ભુવા તથા રખડતા ઢોરના મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. રખડતા પશુઓથી શહેરીજનોને મુક્તિ અપાવવા ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું કે, રખડતા પશુઓ પર માલિકના નામના ટેગ લગાડવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે સ્વીકાયું છે કે, જાહેર માર્ગો પર રખડતા પશુઓના કારણે અકસ્માત થાય છે. કોર્ટ કહ્યું કે, રખડતા ઢોર ગમે તેટલા હોય પરંતુ તે જાહેર રસ્તાઓ ઉપર રખડવા ન જોઈએ.
અગાઉ શહેરમાં વધી રહેલા ટ્રાફિક અને વરસાદી ભુવા તથા રખડતા ઢોરના મામલે સમસ્યાઓને નાથવા માટે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેના અનુસંધાને આજે સુનાવણી હાથ ધરાઈ હતી. અગાઉ હાઈકોર્ટે ટકોર કરતા શહેરમાં રસ્તે રખડતા ઢોર પકડવા માટે મ્યુનિ.કોર્પોરેશને વધુ પ્રયાસ શરૂ કર્યા હતા. અત્યારે મ્યુનિ.પાસે છ ટીમો છે. મ્યુનિ.કમિશનર વિજય નહેરાએ પણ ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમેને દૈનિક ૧૦૦ ઢોર પકડવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને અગાઉ આઠ કલાક થતી કામગીરી ૨૪ કલાક શરૂ કરવા અને તેના મોનિટરિંગ માટે પણ વધુ અધિકારી ફાળવાયા છે.