મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત છે. આ સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. તાપી જિલ્લાના નિઝર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી અવસરે મુખ્યમંત્રી સહભાગી થયા હતા. આદિવાસી સમાજની વિશાળ ઉપસ્થિતિ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ આદિવાસી કૂળદેવી યાહા મોગી માતાનું પૂજન કરી, આદિવાસી સમાજના મસિહા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી અવસરે મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા ૪૬ લાખના વિવિધ લાભોનું વિતરણ સાથે રમતગમત, શિક્ષણ, વિદ્યાર્થીઓ, પશુપાલક સહિત વિવિધ પ્રતિભાશાળીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આદિવાસી સંસ્કૃતિની વિરાસતના જનત માટે રાજપીપળા ખાતે રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે અલગ મ્યુઝિયમ બનાવવાના નિર્ણય સાથે ૪૦ એકર વિસ્તારમાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીના નિર્માણ સાથે આદિવાસી સંસ્કૃતિનું જનત થશે. ગુજરાતની ગૌરવવંતી આદિવાસી સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
આદિવાસીઓનો ભવ્ય અને ગૌરવવંતો ઇતિહાસ છે. ગુજરાતમાં આદિવાસીઓ પ્રત્યે સંવેદના છે. તેમનામાં આઝાદી પહેલાથી જ રાષ્ટ્રભક્તિ પડેલી છે. અંગ્રેજો અને મોગલો સામે આઝાદી માટે શહીદી વ્હોરી છે. એવા આદિવાસી સમાજના સમરસ વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આદિવાસી સમાજના મસિહા બિરસા મુંડાને આદરાંજલિ આપી હતી. આદિવાસીઓના આઝાદીના ભવ્ય ઇતિહાસને વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહિસાગરના માનગઢમાં ગુરુ ગોવિંદના નેતૃત્વમાં ૧૬૦૦ આદિવાસીઓની શહીદી, વિજયનગરના શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિત આદિવાસીવીરોની બલિદાન એળે જવા દેશે નહીં. ડાંગના રાજાઓ અંગ્રેજો સામે લડ્યા હતા. ઇતિહાસના પાનામાં અનેક આદિવાસી ક્રાંતિવીરોએ કુરબાની આપી છે. અગાઉની સરકારોએ ક્યારે આ વીર સપૂતોને યાદ કર્યા નથી. આ સરકારે અનોખી પરંપરાનો પ્રારંભ કરીને આદિવાસી સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પરંપારને આગળ વધારી છે. ૧૯૬ જંગલના ગામોને રેવન્યુ ગામો જાહેર કર્યા છે. હવે ગુજરાતનો આદિવાસી વૈશ્વિક પડકારો ઝીલીને વૈશ્વિક ફલ પર અગ્રેસર બની રાજ્ય-રાષ્ટ્રમાં ભાગીદાર બનશે તેવી નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.