કડવા પાટીદારોની કુળદેવી જ્યાં બિરાજમાન છે એવા ઊંઝામાં આવેલુ ઉમિયાધામ લોકોની આસ્થાનું કેન્દ્ર બિન્દુ રહ્યું છે. મહેસાણાના ઊંઝાના ઉમિયા સંસ્થાન ખાતે વિકાસકાર્યનું ખાતમુહૂર્ત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
યાત્રાળુંઓથી સતત ધમધમતા રહેતા ઊંઝા ઉમિયાધામમાં આમ તો અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે છતાં સરકાર દ્ધારા આ ધામના વિકાસ અર્થે પર્યટક વિભાગ વધુ ૮.૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરી એક વર્ષમાં તેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વધુ સુવિધાઓ ઉભી કરી ધાર્મિક સ્થળને પર્યટક સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત વખતે ઊંઝા ન.પા.ના કર્મીઓને સાતમા પગારપંચનો લાભ આપવાની વાત કરી હતી. આ સિવાય પાલિકાને સરકારના આદેશનો પરિપત્ર સુપરત કરાયો હતો. ઊંઝા ઉમિયા મંદિરને વિકસાવવા માટે સરકાર દ્ધારા પુરઝડપે કામગીરી હાથ ધરી છે.
સંસ્થાના સુત્રોના જણાવ્યા મુજબ કેટલાક માસ પહેલાં જ સરકાર દ્ધારા જાહેરાત કરવામાં આવી હતી અને તેને અનુસંધાને હવે કામગીરી હાથ ધરવામાં આવી છે. શનિવારના રોજ સંસ્થાના હોદ્દેદારોની મીટીંગ મળનાર છે જેમાં આગામી રૂપરેખા નક્કી કરવામાં આવશે, પરંતું હાલમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર શુક્રવારે મહેસાણા કલેક્ટર એચ.કે. પટેલ ઊંઝા ઉમિયાધામ ખાતે દર્શનાર્થે આવ્યા હતા અને સંકુલની મુલાકાત કરતાં કામગીરીની ગતિવિધીઓ તેજ થઈ જવા પામી છે.