ચૂંટણી પંચે આજે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી ન હતી. આની સાથે જ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, નરેન્દ્ર મોદીના ઇશારે આવું કરવામાં આવી રહ્યું છે. કારણ કે, મોદી ૧૬મી ઓક્ટોબરના દિવસે ગુજરાત જનાર છે. જો કે, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, ગુજરાત ચૂંટણી માટેની તારીખ જાહેર નહીં થવાથી વડાપ્રધાનના પ્રવાસથી કોઇ મતલબ નથી. સુત્રો મુજબ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત આગામી સપ્તાહમાં કરવામાં આવનાર છે પરંતુ ચૂંટણી પંચે એમ પણ કહ્યું છે કે, ગુજરાતમાં મતોની ગણતરી ૧૮મી ડિસેમ્બરના દિવસે થશે. મોદી ૧૬મી ઓક્ટોબરના દિવસે ગુજરાત પહોંચી રહ્યા છે. આ સંદર્ભમાં ચૂંટણી કમિશનર અચલકુમાર જ્યોતિએ કહ્યું હતું કે, મોદીના પ્રવાસ સાથે આને કોઇ લેવા દેવા નથી. કોર્ટે પણ કહ્યું છે કે, લાંબા સમય સુધી આચારસંહિતા અમલી રહેવી જોઇએ નહીં.ચૂંટણી પંચે તર્ક આપતા કહ્યું છે કે, રાજ્યમાં પુર પીડિતોને સહાયતા આપવા માટે થોડોક સમય માંગ્યો હતો. અલબત્ત હજુ સુધીની પરંપરા મુજબ ઓછા અંતર પર થનાર ચૂંટણીની તારીખની જાહેરાત એક જ દિવસમાં થઇ શકી હોત. પંચે કહ્યું હતું કે, હિમાચલમાં મતગણતરી ગુજરાતની સાથે જ થશે. મતલબ કે, ગુજરાતમાં પણ ૧૮મી ડિસે. પહેલા ચૂંટણી થશે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી પંચે પણ વડાપ્રધાનના ઇશારે આવું કામ કર્યું છે અને તારીખ જાહેર કરી નથી. જો કે, ચૂંટણી પંચે કોંગ્રેસની અપીલને ફગાવી દીધી છે. પંચે આ સંદર્ભમાં દેશને જવાબો આપવા જોઈએ. હિમાચલમાં કાર્યક્રમની આજે જાહેરાત કરાઈ હતી.