૭૨માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશ આપ્યો હતો જેમાં મુખ્યમંત્રીએ જુદા જુદા વિષયો ઉપર વાત કરી હતી. સામાજિક સમરસતાથી સાડા છ કરોડ ગુજરાતીઓ એક બને તેવી વાત કરી હતી. મુખ્યમંત્રીએ પ્રજાજનોને ૭૨માં સ્વાતંત્રતા દિવસના પ્રસંગે શુભકામના આપતા કહ્યું હતું કે, સદિયો સુધી અવિરત સંઘર્ષ કરીને નામી અનામી અનેક વિરલાઓએ પોતાની જિંદગી ખપાવી દઇને આપણને મહામૂલ્ય આઝાદી અપાવી હતી.
પરાધીનતામાંથી આપણને સ્વાધીન બનાવ્યા હતા. આઝાદીના લડવૈયાઓએ ડાય ફોર દ નેશનનું સુત્ર અપનાવ્યું હતું. તેમના પગલે આપણને આઝાદી મળી હતી. હવે સ્વરાજ્યમાંથી શું રાજ્ય તરફ જવા લીવ ફોર દ નેશન સુત્રને આત્મસાત કરવાનો સમય આવી ગયો છે. આજે વિકાસની રાજનીતિથી સવા ૧૦૦ કરોડ દેશવાસીઓને સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે શું રાજ્યનું અનુભુતી આપણા કરી રહ્યા છીએ. રૂપાણીએ સરકારની સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. જન જનનો વિકાસ, દરેકની સુખાકારીની ખેવના સરકારની કટિબદ્ધતા છે. માત્ર સત્તામાં રહેવા કે સરકાર ચલાવવી તે કોઇ ઉદ્દેશ્ય નથી. મોદીની વિકાસની બાબતોને પણ રૂપાણીએ રજૂ કરી હતી. કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના પરિણામ સ્વરુપે ૧૦૦ ટકા નવા નામાંકન તથા ડ્રોપઆઉટ રેટને શૂન્ય ઉપર લઇ જવા અમે કટિબદ્ધ છીએ. શિક્ષણની ગુણવત્તા સુધારવા ઉપર ધ્યાન આપી રહ્યા છીએ.
ગુણોત્સવ અભિયાન અને મિશન વિદ્યા અભિયાન પણ છેડવામાં આવ્યું છે. પ્રાથમિક શાળાના વર્ગ ખંડોને વર્ચુઅલ ક્લાસરુમ બનાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ આપીને જ્ઞાનનો ભંડાર ખોલી દીધો છે. રૂપાણીએ કહ્યું છે કે, રાજ્યની કોલેજોના કેમ્પસને વાઈફાઈ બનાવી દેવામાં આવ્યા છે. એક લાખ યુવાનોને હુનર કૌશલ્ય તાલિમ સાથે રોજગારની તકો આપવામાં આવી છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના શરૂ કરવામાં આવી છે. સ્વતંત્રતાના આંદોલનમાં ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીએ જનજનને જોડીને ચળવળને એક લોક ચળવળ બનાવી હતી. જળ શક્તિના સમુચિત વિનિયોગથી ગુજરાતમાં કૃષિ ક્રાંતિ લાવવી છે.
૨૦૫૦ સુધી રાજ્યમાં પીવાના પાણીની કોઇ સમસ્યા ન રહે તે માટે વોટર સિક્યુરિટી પણ પુરી પાડવા સરકાર કટિબદ્ધ છે. પાણીના કરકસરયુક્ત પગલાના પરિણામ સ્વરુપે તથા ધરતીપુત્રોના પરિશ્રમથી ગુજરાતે કૃષિ વિકાસદર ડબલ આંકડામાં પહોંચાડ્યો છે. ૨૦૨૨ સુધી ખેડૂતની આવકને બે ગણી કરવા સરકાર કટિબદ્ધ છે. ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજે ધિરાણ આપનારી આ ખેડૂતહિતલક્ષી સરકાર છે. વ્યાજના ખપ્પરમાં ખેડૂત હોમાઈ ન જાય તે માટે પગલા લેવાઈ રહ્યા છે.