તા. ૧૫મી ઓગષ્ટે ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લાના પાલીતાણા હાઇસ્કુલ તળેટી રોડ, પાલીતાણા મેદાન ખાતે જિલ્લાકક્ષાના સ્વતંત્ર્ય પર્વની આન, બાન અને સાન સાથે ઉજવણી કરાઇ હતી. આજે સવારે ૯.૦૦ કલાકે ગુજરાત રાજ્યના માન. રાજ્યકક્ષાના મંત્રી, કૃષિ, પંચાયત અને પર્યાવરણના જયદ્રથસિંહપરમારે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજની સલામી ઝીલી હતી. આ પ્રસંગે માન. મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, આજે આપણે સૌ પાલીતાણા તાલુકા મથકે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવાના હેતુસર ભેગા થયા છીએ ત્યારે પાલીતાણા માટીમાં અનેક તપસ્વીઓના તપની સુવાસ ફેલાયેલી છે. આ તપોભૂમિ તિર્થભૂમિ પણ કહી શકાય. ભૂતકાળમાં અહી અનેક તિર્થ સ્વરૂપે લોકો આવ્યા હતા. સ્વતંત્ર્ય સેનાનિઓ પુજય ગાંધીબાપુ, સરદાર વલ્લભભાઇ પટેલ તેમજ અનેક નામી અનામી લોકોએ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે ભગીરથ પ્રયત્નો કર્યા હતા. રાજ્ય સરકાર પણ ગુજરાતના વિકાસ અર્થે ભગીરથ પ્રયત્ન કરી રહી છે.
આખો દેશ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિચક્ષણ માર્ગદર્શન હેઠળ પ્રગતિના સોપાનો સર કરી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રના વિકાસ માટે રાજ્યનો વિકાસની વિભાવનાથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજ્યની પ્રગતિનો આગવો નકશો કંડાર્યો છે. વિકાસના કેન્દ્રમાં જન સામાન્યને રાખીને આધુનિક ટેકનોલીજીના સમન્વય દ્વારા વહિવટમાં સંવેદનાસભર ત્વરિત નિર્ણયો લઇને ગુજરાતના ખુણે ખુણેના વિકાસ માટે આ સરકારની પ્રતિબધ્ધતાની પ્રતિતિ સૌ કોઇને થઇ રહી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સુશાસનની દિશામાં મક્મતા પૂર્વક આગળ વધી રહ્યુ છે.
કૃષિ ક્ષેત્રે ગુજરાતે છેલ્લા દોઢ-પાણા બે દાયકામાં રીતસર ચમત્કાર સર્જયો છે. રાજ્યના કિસાન ભાઇઓનો અથાગ પરિશ્રમ અને રાજ્ય સરકારની વિવિધ કિસાન લક્ષી યોજનાઓના સમન્વયથી ગુજરાતનો કૃષિવિકાસ દર સરેરાશ ડબલ ડિજીટમાં રહ્યો છે.
આ સ્વતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભાવનગર જિલ્લાની પ્રજાના વિકાસમાટે રૂ. ૨૫ લાખનો ચેક કલેક્ટક હર્ષદભાઇ પટેલને મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરાયો હતો. મંત્રી દ્વારા અનેક રમતવીરો તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માનપત્રો અને એવોર્ડ અર્પણ કરાયા હતા. પાલીતાણા ખાતેના સ્વતંત્ર્ય સેનાની બીબીબેન અકબરભાઇ પઠાણનું શાલ ઓઠાડીને મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, આસામ અને ગોવાના કુલ ૬ રાજ્યના ૯૦ કલાકરો દ્વારા વિવિધ લોકનૃત્ય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને લોકોના મન જીતી લીધા હતા.
આ કાર્યક્રમના અંતમાં મંત્રી તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ, પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ રાઠોડ, કલેક્ટર હર્ષદભાઇ પટેલ, પોલીસ અધિક્ષક પ્રવિણભાઇ માલ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, પાલીતાણા નગરપાલિકા પ્રમુખ, પ્રાંત અધિકારીઓ, પાલીતાણા મામલતદાર તેમજ શાળા/કોલેજના વિધાર્થીઓ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.