પાકિસ્તાન ક્રિકેટ માટે ફરી એક કલંકિત કિસ્સો સામે આવ્યો છે. આ પહેલા પણ અઢળક ક્રિકેટરો ફિક્સિંગના કારણે સજા ભોગવી ચૂક્યા છે ત્યારે પાકિસ્તાન માટે બસ એક નવું નામ લિસ્ટમાં ઉમેરાયું છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આજે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના બેટ્સમેન નાસિર જમશેદ પર દસ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરવા બદલ આ ક્રિકેટર પર બેન લગાવવામાં આવ્યો છે.
આ માટે ત્રણ સદસ્યોની ટીમે નિર્ણય કર્યો હતો. જેના કારણે તેને અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યો હતો. પાછલા બે વર્ષમાં આ બીજીવાર જમશેદને દોષીત કરાર આપવામાં આવ્યો હતો. આ પહેલા ડિસેમ્બર મહિનામાં જમશેદ પર ૨૦૧૭ની પીએસએલ સ્પોટ ફિક્સિંગ મામલે દોષિત જાહેર કરવામાં આવેલ. ત્યારે આ વર્ષે જમશેદ પર લગાવવામાં આવેલ બેન પૂરો થતા જ તે ફરી મુસીબતમાં ફસાયો હતો. પણ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જમશેદને લાંબા સમય સુધી બેન કરવાનો નિર્ણય લઇ લીધો છે.
નાસિર જમશેદના ક્રિકેટ કરિયરની વાતો કરવામાં આવે તો પાકિસ્તાન તરફથી ૪૮ વનડે, ૧૮ ટી-્૨૦, અને બે ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. તેણે ત્રણ સેન્ચુરી અને ૮ હાફ સેન્ચુરી ફટકારેલી છે. બે ટેસ્ટમાં ૫૧ અને ટી ટ્વેન્ટીમાં ૩૬૩ રન બનાવ્યા છે.
નાસિર છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રિકેટથી દૂર હતો અને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે લીધેલા નિર્ણયના કારણે તે આજીવન ક્રિકેટથી દૂર રહેવાનો વારો આવી ગયો છે.