મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં જનજીવન પણ ખોરવાઈ ગયું છે. મધ્ય ગુજરાતમાં ખેડાના કપડવંજ વિસ્તારમાં ૬ ઇંચ વરસાદ થયો છે જ્યારે ગોધરામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાઈ ગયો છે.
જે વિસ્તારમાં વધુ વરસાદ થયો છે તેમાં ખેડામાં ત્રણ, કઠલાલમાં ૩.૪, માંગરોળમાં ત્રણ, મહેમદાવાદમાં ૩.૩, શહેરામાં ૩.૫, માણસામાં ૩, ડભોઈમાં ત્રણ, આણંદમાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. આ ઉપરાંત સાણંદમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે.
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે મેઘરાજાએ ઘણા લાંબા સમયના આરામ બાદ આજે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને તોફાની ઇનીંગ રમી જગતના તાત સહિત પ્રજજનોને ખુશખુશાલ કરી દીધા હતા. ઘણો લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ અને દુકાળની ઉભી થયેલી દહેશત બાદ આવેલા આજના વરસાદને લઇ રાજયના ખેડૂતઆલમમાં તેમના ઉભા પાકને જીવતદાન મળી જતાં તેઓમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. આજે રાજયમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સાબરકાંઠા, ડાંગ, બનાસકાંઠા, અરવલ્લી, આણંદ, જૂનાગઢ, બોટાદ, તાપી, ભરૂચ, નવસારી, દાહોદ, છોટા ઉદેપુર, સહિતના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ૨૧ થી વધુ જિલ્લાઓમાં અને ૬૦થી વધુ તાલુકાઓ-પંથકોમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. છોટા ઉદેપુરમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા.
તો, નર્મદા નદી વર્ષો પછી બે કાંઠે વહેતી જોવા મળી હતી. રાજયમાં આજે ભારેથી અતિ ભારે વરસાદને લઇ ૮૧થી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. તો, ડાંગમાં પણ અતિ ભારે વરસાદના કારણે પાંચ હજારથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા હતા. જિલ્લાના ૧૨ ગામો સંપર્કવિહોણાં બન્યા હતા. ડાંગની અંબિકા, પૂર્ણા, ખાપરી સહિતની નદીઓમાં પૂરના પાણી આવ્યા હતા. છ કોઝ-વે તો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. મેઘરાજાએ આજે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજયભરમાં સાર્વત્રિક વરસાદની મહેર વરસાવી હતી. જેમાં સૌથી વધુ અસર નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળી હતી. અતિ ભારે વરસાદને પગલે છોટાઉદેપુર પથંકમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યા છે. તો, પોઇચા નજીક ત્રિવેદી સગંમ ખાતે નર્મદા નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી હતી. યાત્રાધામ ચાણોદ ખાતે મલ્હારરાવ ઘાટના ૨૮ પગથિયા પૂરના પાણીમાં ડૂબી ગયા હતા. મધ્યપ્રદેશ ઉપરાંત છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં અવિરત વરસાદને કારણે ઓરસંગ નદી બે કાંઠે વહેતાં તેમાં પણ ખોડા પૂર આવ્યા હતા. નર્મદાના પોઇચા ખાતે આવેલા ત્રિવેણી સંગમ ખાતે ઓરસંગ અને નર્મદાનો સંગમ પર પાણીનું જળસ્તર વધ્યુ હતું. જેને કારણે ચાણોદ-પોઇચા અને કરનાળી-પોઇચા વચ્ચે નાવડી વ્યવહાર બંધ કરવાની વહીવટી તંત્ર દ્વારા સુચના આપવામા આવી હતી. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગોંડલ, જસદણ સહિતના પંથકો-વિસ્તારોમાં ધીમી ધારે મેઘરાજા વરસ્યા હતા. જેના કારણે સૌરાષ્ટ્રના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. નવસારી જિલ્લામાં બનાસકાંઠામાં દાંતીવાડા સહિતના અનેક ચેકડેમો છલકાયા હતા. બનાસકાંઠાના અરવલ્લી, માલપર કાંકરેજ, પાલનપુર, ડીસા, દિયોદર સહિતના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. આ જ પ્રકારે સાબરકાંઠામાં પણ પ્રાંતિજ, હિંમતનગર, હમીરગઢ પોશીના, ઇડર, વિજયનગર સહિતના પંથકોમાં ભારે વરસાદ નોંધાતા નદી-નાળામાં નવા નીરની આવક વધી હતી. હમીરગઢ રેલ્વે અંડરબ્રીજ પાણીમાં ગરકાવ બનતાં પાંચથી વધુ ગામોને અવરજવરમાં ભારે હાલાકીની સ્થિતિ ઉભી થઇ હતી. વડોદરામાં પણ ડભોઇ, વાઘોડિયા સહિતના પંથકો અને વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ડભોઇ પંથકમાં તો, લોકોના ઘરોમાં-સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. મહીસાગર જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદને લઇ કોઝ-વે પર પાણી ફરી વળતાં વાહનોની અવરજવર બંધ થઇ હતી. તાપી જિલ્લામાં પણ વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળતાં ગીરા નદી ગાંડીતૂર બની હતી અને ૧૦૦ મીટરનો રસ્તો ધોવાયો હતો. રાજયભરમાં ૮૧થી વધુ ગામોમાં આજે વીજપુરવઠો ખોરવાયો હતો, જેને પૂર્વવત્ બનાવવા તંત્ર કામે લાગ્યુ હતું. જો કે, મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી રાજયભરના પ્રજાજનો ખુશખુશાલ થઇ ગયા હતા.
ગુજરાતમાં હજુ અતિભારે વરસાદ પડશે : તંત્ર સજ્જ
દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર લો પ્રેશરની સ્થિતિ સર્જાયેલી છે અને હાલમાં ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર તથા પૂર્વીય રાજસ્થાન ઉપર કેન્દ્રિત છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણીને લઇને તંત્ર સાબદુ બની ગયું છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, વડોદરા, નર્મદા, દમણ દાદરાનગર હવેલી, પંચમહાલ, અરવલ્લી, મહિસાગર, સુરત, ભરુચમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે. આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ જ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો હતો. આ વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર છત્તીસગઢ અને ઓરિસ્સા સુધી પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાયું છે, જે ૨૪ કલાકમાં આગળ વધીને ગુજરાત સુધી પહોંચશે. આ અપર એર સરક્યુલેશન સીસ્ટમ સર્જાતા ચોમાસુ સીસ્ટમ સક્રિય થતાં અમદાવાદ શહેર સહિત ગુજરાતના ઘણાખરા ભાગોમાં હજુ બે થી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે. તા.૧૭મી ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તપા સહિતના પંથકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ, એકંદરે વરસાદ નોંધાયો હતો.
ાો, તા.૧૮મી ઓગસ્ટે ડાંગ, તાપી, ભરૂચ, સુરત, વડોદરા, અમદાવાદ, ગીર-સોમનાથ, ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. આ જ પ્રકારે તા.૧૯મી ઓગસ્ટે નવસારી, સુરત, ભરૂચ, ગીર-સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અને જામનગર સહિતના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.