વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાનને પત્ર લખીને શુભેચ્છા પાઠવી છે, આવો દાવો પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી શાહ મેહસૂદ કુરૈશીએ કર્યો છે. શાહ મેહસૂદ કુરૈશીએ જણાવ્યું કે, “ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે વાતચીતનું નિમંત્રણ આપ્યું છે.” જોકે, મીડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે ભારત સરકારે પાકિસ્તાનના દાવાનું ખંડન કર્યું છે.
શાહને જણાવ્યા પ્રમાણે પીએમ મોદીએ પત્રમાં લખ્યું, “પાડોશી દેશ સાથે અમારા સંબંધો હંમેશા સારા રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાનની નવી સરકાર ભારત સાથે સકારાત્મક અને અર્થપૂર્ણ સહકાર આપશે. ભારત સાથે નિરંતર અને અબાધિત વાતચીત જરૂર છે. બંને દેશોએ આ માટે યોગ્ય પગલાં ઉઠાવવા પડશે.”
શાહે કહ્યું, “હું ભારતીય મીડિયાને જણાવવા માંગું છું કે અમે ફક્ત પાડોશી નથી. પાકિસ્તાન પરમાણું સંપન્ન દેશ છે. આપણી બંને પાસે સમાન સાધન છે. આપણી પાસે લાંબા સમયથી પડતર મુદ્દાઓ છે, બંને દેશોએ એકબીજાની મુશ્કેલી સમજવી પડશે. આપણી પાસે વાતચીત સિવાય બીજો કોઈ રસ્તો નથી, અમે જોખમ ન ઉઠાવી શકીએ.”