એસ.ટી. નિગમ દ્વારા ભાડેથી મેળવીને ચલાવાતી વોલ્વો બસો કરોડો રૂપિયાની ખોટમાં ચાલે છે અને એને કારણે સુરત, રાજકોટ, વડોદરા સિવાયના રૂટ ઉપર વોલ્વો દોડાવવાનું બંધ કરાયું છે, તેમ છતાં ખાનગી સંચાલકો પાસેથી તગડી મલાઈ મેળવવાનો અધિકારીઓનો મોહ છૂટતો નથી, જેને લીધે ખોટનો ધંધો સાબિત થયો હોવા છતાં ૨૦૦ જેટલી નવી વોલ્વો બસો ભાડે મેળવવાના આયોજનને તંત્રવાહકો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.
વર્ષ ૨૦૧૧-૧૨થી ૨૦૧૭-૧૮ના ૭ વર્ષામાં ખાનગી સંચાલકો પાસેથી ભાડેથી મેળવીને ચલાવાતી વોલ્વો બસો પાછળ એસ.ટી. નિગમે કુલ રૂ.૧૩.૩૩ કરોડની ખોટ કરી છે. છેલ્લા બે વર્ષમાં ખોટ અનુક્રમે રૂ.૩.૩૪ કરોડ તથા રૂ.૫.૫૭ કરોડ રહી હતી. આને કારણે બે-ત્રણ મહિના પહેલાં જ રાજ્ય સરકારની સૂચનાથી નિગમને લાંબા રૂટ ઉપર દોડાવાતી વોલ્વો બસ સર્વિસ બંધ કરવી પડી હતી. જો કે રૂટ ઘટવા છતાં ભાડેથી ચલાવાતી વોલ્વો બસની સંખ્યા એની એ જ ૪૫ રહી છે, જે અત્યારે સુરત, વડોદરા અને રાજકોટ માટે અમદાવાદ ડિવિઝનથી દોડાવાય છે. વોલ્વો બસો ચલાવવી એસ.ટી. તંત્ર માટે ખોટનો વેપલો છે, કેમ કે પેસેન્જર્સ મળતાં નથી, આમ છતાં સૂત્રોના કહેવા પ્રમાણે આદિનાથ અને ચાર્ટર એમ બે ખાનગી કંપનીઓ પાસેથી ૨૦૦ જેટલી વોલ્વો બસો ભાડે મેળવવાનું નક્કી થઈ ચૂક્યું છે, જો તંત્રને નફાકારકતામાં લઈ જવું હોય અને ખોટથી બચાવવું હોય તો ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ વહીવટીતંત્રએ એસ.ટી. નિગમ આ નવા સોદા ઉપર રોક લગાવવી જોઈએ, એમ પણ સૂત્રો કહે છે.
એસ.ટી. તંત્ર દ્વારા બીજી પણ ૬૫ જેટલી ખાનગી બસો ભાડેથી મેળવવાની પ્રક્રિયા તાજેતરમાં પૂરી કરાઈ છે, જેમાં કરોડોની લેતી દેતીના આક્ષેપો થઈ રહ્યાં છે. સૂત્રો કહે છે કે, સામાન્ય રીતે ૧૩૦થી ૧૬૦ હોર્સપાવર એન્જિનવાળી બસોની એસ.ટી.તંત્રમાં જરૂર રહે છે, પરંતુ તંત્ર દ્વારા જાણીબુજીને ૨૮૦-૨૯૦ હોર્સ પાવરના એન્જિનવાળી બસોની માગણી ટેન્ડરમાં થાય છે, જેને કારણે મોટાભાગની કંપનીઓ ટેન્ડર પ્રક્રિયા બહાર થઈ જાય છે અને ગણીગાઠી ત્રણેક કંપનીઓ ક્વોલિફાય થાય છે, જેની સાથે તંત્ર કરોડની લેતીદેતી આસાનીથી કરે છે, જો ટેન્ડર યોગ્ય રીતે બહાર પાડવામાં આવે તો અનેક મોટી કંપનીઓ ટેન્ડરમાં ભાગ લઈ શકે અને હરીફાઈને કારણે નિગમનેય મોટો આર્થિક લાભ થાય, પણ ગાંધીનગરના સત્તાધીશોને કરોડોની ખાયકી કોણ જાણે કેમ રોકવામાં જરાય રસ નથી.