ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર સમગ્ર દેશની મીટ મંડાયેલી છે. ખાસ કરીને ભાજપ માટે ગઢ ટકાવવા અને કોંગ્રેસ માટે ગઢમાં કાંગરા ખેરવવાની ટક્કર છે. અત્યાર સુધી ગુજરાત વિધાનસભામાં ક્યારેય કોંગ્રેસ આટલી એક્ટીવ કે અગ્રેસીવ રહી નથી એ આગામી ચૂંટણી માટે દેખાઈ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી ખુદ રસ દાખવી રહ્યા હોય એ રીતે માસના આરંભે જ સૌરાષ્ટ્રનો ત્રિદિવસીય ઝંઝાવતી પ્રવાસ કરી ગયા બાદ આગામી માસના મધ્યમાં ફરી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જીલ્લાના પ્રવાસે આવી રહ્યાના સમાચારો સાંપડે છે.
ચૂંટણી ચક્કરને લઈને સૌરાષ્ટ્રની પ્રથમ યાત્રા જેમ દ્વારકાધીશને માથુ ટેકવીને આરંભી હતી એ રીતે બીજો રાઉન્ડ નવેમ્બરના બીજા અઠવાડીયામાં સોમનાથ મહાદેવ મંદિરે પૂજન, અર્ચન કરીને આરંભશે. ગત વખતે દ્વારકા, જામનગર, રાજકોટ, ચોટીલા, જસદણ, જેતપુર વિસ્તારમાં ઝંઝાવતી પ્રવાસ સાથે કોંગ્રેસમાં ચેતના અને પ્રજામાં આશાની એક ઉમ્મીદ ઉભી કરી હતી. હવે બીજા તબક્કામાં અમરેલી અને ભાવનગર જીલ્લામાં જનતા વચ્ચે જઈને કોંગ્રેસને મજબુત બનાવવાનો પ્રયાસ કરશે.
ગુજરાતમાં હજુ સુધી ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. જોકે, ડીસેમ્બર મહિનામાં ગમે તે સમયે ચૂંટણી યોજાશે. ભાજપ-કોંગ્રેસ માટે ગુજરાતની ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહે તેમ છે. કોંગ્રેસ આ ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા કમર કસી રહ્યો છે. જેના ભાગરૂપે રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રવાસ યોજાઈ રહયા છે. રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થસ્થાનોના દર્શન પણ કરી રહયા છે. આ બાબત પણ એટલી જ સુચક બની રહી છે.