ટેક્સ હેવન્સમાં ભારતીયોનાં કાળાં નાણાંની રકમમાં જંગી ઘટાડો થયો

1196

ભારતીય નાગરિકો દ્વારા ટેક્સ હેવન દેશોમાં જમા કરવામાં આવતાં કાળાં નાણાંની રકમમાં સારો એવો ઘટાડો થયો છે. અત્યંત ગોપનીયતાની ખાતરી આપનાર તેમજ ઓછા ટેક્સદર ધરાવતા દેશોમાં ભારતીયોની થાપણો અને નોન બેન્કિંગ લોનમાં ૨૦૧૩ થી ૨૦૧૭ વચ્ચે ઘણો ઘટાડો થયો છે.

આ વાતનો ઉલ્લેખ દુનિયાભરની સેન્ટ્રલ બેન્કની ગ્લોબલ સંસ્થા બેન્ક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્‌સ (બીઆઇએસ)ના ડેટા પર આધારિત સરકારી રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ૨૦૧૪માં મોદી સરકાર આવ્યા બાદ સ્વિસ બેન્કમાં ઇન્ડિયન્સનાં નાણાં ૮૦ ટકા જેટલાં ઘટી ગયાં છે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર વિદેશમાં છુપાવીને જમા રાખવામાં આવેલ કાળાં નાણાંને દેશમાં પરત લાવવા પ્રતિબદ્ધ છે. આ માટે અમે નોટબંધી સહિતનાં અનેક પગલાં ભર્યાં છે, તેને લઇ નવા બ્લેક મની જનરેશન પર લગામ કસવામાં આવી છે.

સરકારી અહેવાલ અનુસાર લક્ઝમબર્ગમાં ભારતીયોની નોન બેન્ક લોન અને ડિપોઝિટમાં ૬૨ ટકાનો ઘટાડો થયો છે. તેમના દ્વારા જમા કરવામાં આવેલ રકમ ૨૦૧૩માં ૨.૯ કરોડ ડોલર હતી તે ઘટીને હવે ૧.૧ કરોડ ડોલર થઇ ગઇ છે.

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે બીઆઇએસના ડેટામાં ટેક્સ હેવન ઉપરાંત બ્રિટન અને ફ્રાંસમાં પણ ભારતીયોની ડિપોઝિટનો સમાવેશ થાય છે. બ્રિટનને લાગેવળગે છે ત્યાં સુધી ૨૦૧૩ થી ૨૦૧૭ દરમિયાન ભારતીય નાગરિકોની ડિપોઝિટ ૨.૭૩ અબજ ડોલર હતી તેમાં ૩૨.૨ ટકાના ઘટાડા સાથે હવે ૧.૮૫ અબજ ડોલર થઇ ગઇ છે.

ફ્રાંસમાં જમા ભારતીયોનાં નાણાંમાં ૬૬.૩ ટકાના ઘટાડા સાથે ડિપોઝિટ ૪૧.૯ કરોડ ડોલર હતી તે ઘટીને હવે ૧૪.૧ ડોલર થઇ ગઇ છે. સ્વિસ બેન્કમાં જમા ભારતીયોનાં નાણાં ૨૦૧૭માં ૩૪.૭ ટકાનો ઘટાડો નોંધાયો છે.

 

Previous articleધર્મશ્રધ્ધાના નામે પ્રકૃતિનો અનાદર
Next articleટ્રેડવૉર : અમેરિકાને ચીન સાથે બિઝનેસ બેઠકમાં કોઈ ખાસ આશાવાદ નથી