કોંગ્રેસ પર વિકાસના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રહાર કરતાં જણાવ્યું કે, કોંગ્રેસમાં વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની તાકાત જ નથી. આ એવી પાર્ટી છે કે જે વિકાસની રાજનીતિથી ગભરાય છે. કોમી, સાંપ્રદાયિક અને તણાવવાળા ઇશ્યુ ઉભા કરી રાજનીતિ રમતી આ પાર્ટી વિકાસથી ભાગે છે. બાળકોને શિક્ષણ, યુવાનોને રોજગારી સહિતની વાતો શું વિકાસ વિના શકય છે? ભાજપે વિકાસને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યો છે.મોદીએ તેમના ભાષણ દરમ્યાન જીએસટીના મુદ્દે વેપારી વર્ગને રાહત આપી આશ્વસ્થ કર્યા હતા. મોદીએ સ્પષ્ટ કર્યું કે, અમે પહેલાં જ કીધું હતું કે, જીએસટી એ આઝાદ ભારતમાં અમલી બનેલી એક નવી સીસ્ટમ છે અને તેને સ્વીકારાતા સમય લાગશે.
વેપારીઓ-ઉદ્યોગજગતની મુશ્કેલીઓ પરત્વે સરકાર સંવેદનશીલ છે અને એટલે ત્રણ મહિના બાદ જીએસટીના મામલે રિવ્યુ ઘણા બદલાવ કરાયા. હજુ પણ વધુ ફેરફારો અને બદલાવ કરવામાં આવશે. વેપારીઓએ એ મુદ્દે ડરવાની
સહેજપણ જરૂર નથી કે, તેમના અત્યારના હિસાબોના આધારે આગલા વર્ષોના હિસાબોની તપાસ સરકાર કરશે. હું તમને ખાતરી આપું છે કે, તમારા અત્યારના હિસાબોના આધારે આગળના વર્ષોના ચોપડા કે હિસાબોની કોઇ જ તપાસ નહી થાય. કોઇ ઇમાનદારીના રસ્તા પર ચાલવા માંગતા હોય ત્યારે સરકારે પણ કંટકવિનાનો પંથ કંડારવો એ સરકારની ફરજ છે. મોદીએ કોંગ્રેસ સહિતના વિપક્ષ પર ચાબખા મારતાં જણાવ્યું કે, આ લોકોને વર્ષોથી ગુજરાત અને તેનો વિકાસ આંખમાં કણાની જેમ ખૂંચતો આવ્યો છે. કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી કે જેમણે કોંગ્રેસને અત્યારસુધીના ઇતિહાસમાં સૌથી વધુ બેઠકો અપાવવાનું કામ કર્યું હતું, તેઓ એક ચિઠ્ઠી લઇને ગયા અને બોફોર્સકાંડમાં બચાવવા મેદાનમાં ઉતર્યા ને વખત આવ્યે એ જ માધવસિંહભાઇ પાસેથી રાજીનામું લઇ લીધુ અને તેમને ઘેર બસાડી દીધા. પરિવારને બચાવવા તેમનો ભોગ લેવાયો. આ પરિવાર અને પાર્ટી કોઇને છોડતી નથી, ખતમ કરી નાંખે છે.