પાટીદાર અનામત આંદોલન સમિતીનાં કન્વીનર હાર્દીક પટેલ દ્વારા ૨૫મીથી અનામત તથા ખેડુતોની સમસ્યા મુદ્દે આમરણાંત ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી હતી. અમદાવાદમાં મંજુરી ન મળતા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ બેસવા માટે પણ પોલીસમાં મંજુરી માટે અરજી કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા અરજીને ફગાવી દઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી મુદ્દે વાંધો દર્શાવવામાં આવ્યો છે. જયારે બીજી તરફ પોલીસ દ્વારા સચિવાલયથી માંડીને માર્ગો પર પોલીસની વોચ ગોઠવી દેવાઇ છે. હાર્દીક પટેલની આમરણાંત ઉપવાસની જાહેરાત બાદ રાજયમાં ગરમાવાનો માહોલ નિર્માણ થયો છે. નિકોલમાં મંજુરી ન મળતા અન્ય જગ્યાએ મંજુરી માંગી હતી અને મંજુરી ન આપવા મુદ્દે પણ લડત ચાલી હતી. પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. અમદાવાદમાં મંજુરી મળવાની શકયતા ન લાગતા ગત બુધવારે સેકટર ૭ પોલીસ સ્ટેશનમાં અરજી કરીને સત્યાગ્રહ છાવણીએ હાર્દીક આમરણાંત ઉપવાસ પર બેસવા બાબતે મંજુરી માંગી હતી. જો કે પોલીસ દ્વારા શુક્રવારે આ અરજી પર નકારાત્મક પ્રતિભાવ આપવામાં આવતા મંજુરી આપવાની ના પાડી દેવાઈ છે.