મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી અને શંખલપુર ગામે આજે શ્રાવણ સુદ પૂર્ણિમા નિમિત્તે બાલાત્રિપુરા સુંદરી મા બહુચરના મંદિરે લોકમેળો ભરાયો હતો અને મંદિરોમાં વહેલી સવારથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. દિવસ દરમિયાન હજારો માઈભક્તોએ માતાજીની પાસે શીશ ઝુકાવી ધન્યતાની લાગણી અનુભવી હતી. યાત્રાધામ બહુચરાજી ખાતે બીરાજમાન બહુચર માતાજીના મંદિરે આજે પુનમ નિમિત્તે વહેલી સવારથી જ માઈભકતો બોલમાડી બહુચર જય જય બહુચરના જયઘોષથી ગુંજી ઉઠયુ હતુ અનેક સંઘોએ માતાજીના મંદિરે ધજાઓ ચડાવી હતી. દર્શનપથથી લઈને માતાજીના મંદિર ગર્ભગૃહ સુધી લાંબી લાંબી કતારો લાગી હતી. જેમાં ઉભા રહીને માતાજીના દર્શન કરવાની ધન્યતા સાથે શ્રદ્ધાળુઓએ શ્રીફળ ચુંદડી અને સાકરનો પ્રસાદ અર્પણ કર્યો હતો.
પૂર્ણિમા નિમિત્તે માતાજીને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. રાત્રે માતાજીના નીજ મંદિરથી પરંપરાગત પાલખી નીકળી હતી. જે નગરની પરિક્રમા કરી પુરત મંદિરે આવી હતી. પાલખીમાં ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.