ટ્રાફિકના નિયમોનુ પાલન આમ નાગરિકે જ કરવાનું ?

1182

ગાંધીનગરમાં છેલ્લા ત્રણ દિવસથી ટ્રાફીકના નિયમોનું પાલન કરાવવા માટે સ્થાનિક પોલીસે પણ ઉપાડો લીધો છે અને વાહનોમાંથી ડાર્ક ફિલ્મ હટાવવામાં આવી રહી છે પરંતુ ચિલોડા પોલીસ સ્ટેશનમાં જપોલીસ જવાનોના ડાર્ક ફિલ્મવાળા વાહનોનો જમાવડો હોવા છતાં પોલીસ તેમની સામે કોઈ કાર્યવાહી કરતી નથી. આ કાયદો ફકત સામાન્ય નાગરિકો પુરતો જ સીમીત હોય તેવું લાગી રહયું છે જેને લઈ જિલ્લા પોલીસ વડાએ આ બાબતે ગંભીરતાથી લઈ પોલીસના વાહનોમાંથી પણ ડાર્ક ફિલ્મ હટાવવા માટે આદેશ આપવો જોઈએ તેવું લાગી રહયું છે.

પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવે તે સરાહનીય બાબત છે. હેલ્મેટ, સીટબેલ્ટ કે ડાર્ક ફિલ્મના કાયદાના નામે ફકત સામાન્ય વ્યક્તિઓને જ દંડવા તે યોગ્ય નથી. પોલીસ જવાનો કે અધિકારીઓ પણ આ કાયદાનો ભંગ કરે ત્યારે તેમની સામે પણ કડક હાથે કામ લેવું જોઈએ તો જ સામાન્ય નાગરિકો પણ આ કાયદાઓનું પાલન કરતાં કચવાટ અનુભવે નહીં. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વાહનોમાંથી ડાર્ક ફિલ્મ હટાવવાની શરૃઆત કરવામાં આવી છે.

ટ્રાફિક પોલીસ અને અન્ય સ્થાનિક પોલીસ પણ કામગીરી કરી રહી છે તે સારી બાબત છે. અત્યાર સુધીમાં અઢીસોથી વધુ વાહનોમાંથી ડાર્ક ફિલ્મ હટાવી દેવામાં આવી છે. ત્યારે ચિલોડા પોલીસ દ્વારા પણ સર્કલ ઉપર ઉભા રહીને આવતાં જતાં વાહનોમાંથી ડાર્ક ફિલ્મ ઉતારવાનું શરૃ કરાયું હતું. પરંતુ આ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ જવાનો અને અધિકારીઓના વાહનોમાં ડાર્ક ફિલ્મ લાગેલી છે અને આવા વાહનોનો ખડકલો હોવા છતાં ચિલોડા ઈન્સ્પેકટરને પોલીસ સ્ટેશનમાંથી કાયદાનું પાલન કરાવવાનું યાદ આવ્યું નહોતું.

એક જાગૃત નાગરીકે આ સંદર્ભે ધ્યાન દોરતાં તોછડાઈભર્યો જવાબ પણ આપવામાં આવ્યો હતો ત્યારે આ બાબતની જિલ્લા પોલીસ વડાએ પણ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. જિલ્લામાં જ્યારે પોલીસ દ્વારા કાયદાનું પાલન કરાવવામાં આવે ત્યારે તેની શરૃઆત પોલીસ સ્ટેશનમાંથી કરવી તેવો પરિપત્ર કરવો જોઈએ.

Previous articleસ્વ. પંડિત બ્રિજ ભૂષણ કાબરાજીને સ્વરાંજલિ : ઉદગમ મ્યૂઝિક ફેસ્ટીવલ યોજાયો
Next articleપૂનમના દિવસે બહુચરાજી મંદિરે ભાવિકોની ભારે ભીડ