એશિયન ગેમ્સમાં ભારતનો શાનદાર દેખાવ નવમાં દિવસે પણ જારી રહ્યો હતો. આજે એથ્લિટ નિરજ ચોપડાએ ઇતિહાસ રચીને જેવલિંગ થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. ૨૦ વર્ષના નિરજે જોરદાર દેખાવ કરીને ભારતીય ચાહકોને રોમાંચિત કરી દીધા હતા. આ સ્પર્ધામાં એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ભારતને ગોલ્ડ મળ્યો છે. ૧૯૮૨માં ગુરતેજસિંહે જ્વેલિંગમાં બ્રોન્ઝ જીત્યો હતો. હરિયાણાના પાનીપતમાં જન્મેલા ચોપડા એશિયનની ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટીમના ધ્વજવાહક તરીકે રહ્યો હતો. નિરજે ત્રીજા પ્રયાસમાં ૮૮.૦૬ મીટર જ્વેલિંન ફેંકીને ગોલ્ડ જીત્યો હતો.
આજે ભારતે કુલ પાંચ મેડલ જીત્યા હતા. મોદીએ નિરજ ચોપડાને શુભેચ્છા પાઠવી છે. અગાઉ આજે લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર સાયનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો તો. ત્યારબાદ એથ્લિટ ધારુન અય્યાસામી, સુધા સિંહ અને નિના વર્કીલે સિલ્વર જીત્યા હતા. આ ત્રણેયે ક્રમશઃ ૪૦૦ મીટર વિઘ્ન દોડ, ૩૦૦૦ મીટર સ્ટીફલ ચેસ અને લોંગ જમ્પમાં સિલ્વર જીત્યા હતા. આ પહેલા પીવી સિંધુએ ૧૮મા એશિયન ગેમ્સમાં સોમવારે બેડમિંટનની સેમીફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીને ૨૧-૧૭, ૧૫-૨૧, ૨૧-૧૦થી હરાવી દીધી. સિંધુ એશિયાડમાં બેડમિંટનના ૫૬ વર્ષના ઈતિહાસમાં ફાઇનલ મુકાબલામાં સ્થાન મેળવાનારી પહેલી ભારતીય બની. ફાઇનલમાં સિંધુનો મુકાબલો ચીની ટાઇપેની તાઈ જૂ યુંગ સાથે થશે. યુંગે સેમીફાઇનલમાં ભારતની સાઇના નેહવાલને ૨૧-૧૭, ૨૧-૧૪થી હરાવી.