રાજ્યની ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓના ખોટા નામ ચલાવવામાં આવતા હોવાની અનેક વાર ફરિયાદો ઉઠી છે. જોકે આ હકિકત મિશન વિદ્યા અભિયાનમાં પણ બહાર આવી હોવાનુ સુત્રો જણાવી રહ્યાં છે. આવા સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના નામ કમી કરવા માટે શિક્ષણ વિભાગે તૈયારીઓ કરી છે. જેમાં સતત ૧૪ દિવસ સુધી સ્કૂલમાં ગેરહાજર રહેતા વિદ્યાર્થીની હકિકત ચકાસવી અને તેમ છતાય કોઈ કારણ ન મળે તો તે વિદ્યાર્થીનું નામ કરવાની સુચનાઓ અપાઈ છે. બીજી તરફ સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓને પ્રથમ તો સ્કૂલ સુધી લાવવાનો પ્રયાસ કરવાનો રહેશે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે, હાલમાં રાજ્યની સરકારી સ્કૂલોમાં મિશન વિદ્યા અભિયાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં ભણવામાં નબળા વિદ્યાર્થીઓનો અલગથી ક્લાસ લેવામાં આવે છે ઉપરાંત ઝીરો પિરિયડ પણ લેવાઈ રહ્યો છે. જેથી આ ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના કારણે ગુણોત્સવના પરિણામમાં પણ માઠી અસર પડતી હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યુ હતુ. જેના પગલે શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર દ્વારા સુચના આપી છે. સ્કૂલમાં સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીનો સત્વરે સંપર્ક કરવો અને જો તે વિદ્યાર્થી સ્કૂલમાં આવી શકે તેમ ન હોય અથવા સંપર્ક થઈ શકે નહી તો પણ તેનું નામ કમી કરી દેવુ.