વિઘ્નહર્તા ગણેશજીના ઉત્સવનો દોર સમાપન તરફ જઈ રહ્યો છે તેમ તેમ ભાવિકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. આજે નવમા દિવસે પણ ભક્તિના માહોલ સાથે ગણેશ ઉત્સવનો ઉત્સાહ યથાવત રહેવા પામ્યો છે. શહેરમાં અનેક સ્થળોએ પ-૭ કે ૯ દિવસે આજે સમાપન કરાયું હતું. જ્યારે મોટા આયોજનો હજુ શરૂ છે. શહેરના રૂપાણી સર્કલ ખાતે દિવડી ગૃપ દ્વારા પરંપરા મુજબ ગણેશ ઉત્સવ ઉજવાયેલ. જેમાં આજે સમાપન કરવામાં આવ્યું હતું. પાનવાડી ચોકમાં ચાલતા ગણેશ ઉત્સવનું સોમવારે સમાપન કરાશે. વાઘાવાડી રોડ પર પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા ઉજવવામાં આવેલ અનોખા ગણપતિ ઉત્સવનું આજે સમાપન કરાયું હતું. જ્યારે ઘોઘાસર્કલ ખાતે સેતુબંધ મિત્ર મંડળ અને ક્રેસન્ટ ખાતે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ચાલતા ગણેશ મહોત્સવનું સોમવારે સમાપન કરી વિસર્જન કરાશે. જ્યારે ટોપ થ્રી સિનેમા પાસે મહાવિરનગર ખાતે બાપા સીતારામ ફ્રેન્ડસ સર્કલ દ્વારા યોજાયેલા ગણેશ મહોત્સવનું આજે સમાપન કરવામાં આવ્યું હતું.