૬પ૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના પ્રથમ ચરણના લોકાર્પણ સમારોહમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગરને નવા વર્ષની ભેટ સ્વરૂપે કાળીયાબીડને રેગ્યુલાઈઝ કરવાની મંજુરી આપવા ઉપરાંત શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના ફ્લાયઓવર બ્રિજને મંજુર કરાયું તેમજ માઢીયા જીઆઈડીસી મંજુર કરવા સાથે ભાવનગરના બોરતળાવને સૌની યોજના થકી ભરવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે કાળીયાબીડના ૧પ હજારથી વધુ મકાનો કાયદેસર થશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ એ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અંતર ઘટાડવા સાથે સમૃદ્ધિનો નવો અધ્યાય રચશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ગુજરાતના તેમના મુખ્યમંત્રીપદના કાર્યકાળ દરમ્યાન સેવેલું સપનું ભાજપાની આ સરકારે સાકાર કર્યુ તેની ખૂશી વ્યકત કરી હતી. વિજયભાઇએ જણાવ્યું હતું કે, વરસોથી દરિયા કિનારાના મોજાઓ વિકાસની રાહ જોતા હતા, તે હવે વિકાસની ભરતીમાં પરિવર્તીત થશે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ ફેરી સર્વિસને પરિણામે માર્ગ પરનું ભારણ ઘટશે, પર્યાવરણની રક્ષા અને ઇંધણની બચત થશે. તેમણે જાહેર કર્યુ કે, આ પ્રથમ તબક્કે પેસેન્જર ફેરી સર્વિસનો પ્રારંભ થાય છે, તેને વિસ્તારીને આગામી દિવસોમાં વાહતુક સર્વિસ પણ શરૂ કરાશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, ઘોઘા-દહેજ રો રો ફેરી સેવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન સાકાર થયું છે. ભારતના સૌથી લાંબા અંતરની આ રો-રો ફેરી સર્વિસથી સમય, ખર્ચ ઘટશે. મુસાફરોની સાથો સાથ માલ વાહક વાહનોની હેરા ફેરી ફેઝ-ર દ્વારા ટૂંક સમયમાં શરૂ થશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૪૦ વર્ષ જુના કાળીયાબીડની મિલકતો કાયદેસર કરવાની જાહેરાત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના ૧૫ હજાર લોકોની મિલકતો કાયદેસર કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. શાસ્ત્રીનગરથી દેસાઇનગર ઓવરબ્રીજને મંજૂરી આપી દીધી છે. જેથી ભાવનગર શહેરની ટ્રાફીક સમસ્યાનું નિવારણ આવશે. સૌની યોજના દ્વારા શેત્રુંજય અને ખોડીયારની જેમ બોર તળાવ નર્મદાના નીરથી ભરવાની સાથે માઢિયા જી.આઈ.ડી.સી.ની મંજુરીની જાહેરાત પણ કરી હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર માટે અનેરો પ્રસંગ છે. પ્રધાનમંત્રીના અનેક નિર્ણયોથી સૌરાષ્ટ્રને વિકાસની ઘણી યોજનાઓનો લાભ મળ્યો છે. નર્મદાનું પાણી, રોજગારી, વિજળી સહિત અનેક કાયમી સમસ્યાઓ હલ થઇ છે. આ રો-રો ફેરી સર્વિસથી સુરત અને દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં કામ કરતા સૌરાષ્ટ્રવાસીઓ માટે વિકાસના દ્વાર ખૂલી રહ્યા છે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, મંત્રી આત્મારામભાઈ પરમાર, જસાભાઇ બારડ, જયેશભાઈ રાદડીયા, ચીમનભાઈ સાપરીયા, વી.વી.વઘાસીયા, સંસદીય સચીવ વિભાવરીબેન દવે, સહિતના મંત્રીમંડળના સદસ્યો, સાંસદ ભારતીબેન શીયાળ, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ધારાસભ્યો, કલેકટર હર્ષદ પટેલ, ઉપાધ્યક્ષ અને મુખ્યકારોબારી અધિકારી (ગુજરાત મેરી ટાઇમ બાોર્ડ) અજય ભાદુ, આગેવાનો, અધિકારી, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.