ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું PM હસ્તે ઉદ્દઘાટન

838
bvn23102017-13.jpg

ભાવનગરના ઘોઘા ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એશિયાની સૌ પ્રથમ એવી ૬પ૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું ઉદ્દઘાટન થયુ હતુ. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિપીંગ ઇન્ડસ્ટ્રીઝમાં સ્થાનિક યુવાઓને રોજગાર મળે તે માટે પ્રશિક્ષિત અને કૌશલ્યવર્ધન માટે ગુજરાતમાં મેરી ટાઇમ યુનિવર્સીટી અને લોથલ ખાતે મેરી ટાઇમ મ્યુઝીયમ સ્થાપવાની જાહેરાત કરી હતી. ઘોઘા-દહેજ ફેરી સર્વિસના રૂા.૬૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ પ્રોજેકટનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશના દરિયાઇ રાજયો માટે આ પ્રોજેકટ દરિયાઇ વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે અનેકોસ્ટલ પ્રવાસનો નવો અધ્યાય શરૂ થયો છે. ભાવનગરની ધરતી પર આવીને આ મહત્વકાંક્ષી પ્રોજેકટ સમગ્ર હિન્દુસ્તાનને નવી વિકાસની દિશા આપશે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસથી આ અનેરો ઉપહાર દેશની જનતાને મળ્યો છે. દક્ષિણ અને પૂર્વ એશિયાનો આ સૌથી મોટો પ્રોજેકટ આધુનિક ટેકનોલોજીથી પૂર્ણ થતા સાડા છ કરોડ ગુજરાતીઓનું સ્વપ્ન પૂર્ણ થયું છે. 
વડાપ્રધાનએ પોતાના બાળપણના શાળાના દિવસો યાદ કરીને જણાવ્યું હતું 
કે ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેકટ માટે અગાઉની સરકારો અને ભાવનગરના નેતાઓ આવીને ગયા પણ સારા કાર્યો મારા નસીબમાં લખાયેલા છે. ગુજરાતના નાના મોટા બંદરો પરથી દેશના કાર્ગોના ૩૨ ટકા કાર્ગો વહન થાય છે. આ ફેરી સર્વિસ અન્ય રાજયો માટે પણ મોડેલ બનશે અને આર્થિક સમૃદ્ધિની નવી દિશાઓ ખુલશે. 
“લંકાની લાડીને ઘોઘાનો વર”પ્રચલિત કહેવતને યાદ કરીને વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઘોઘાની વર્ષો પહેલા કેવી જાહોજલાલી હશે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસથી ઉદ્યોગોને બળ મળશે, રોજગારીની વિપુલ તકો વધશે અને પ્રવાસન ઉદ્યોગને નવી દિશા મળશે. પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છના લાખો લોકોનું જીવન બદલી નાખશે. માનવીની મૂલ્યવાન ચીજ સમય છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ૧૨ હજાર લોકો દરરોજ પ્રવાસ કરે છે. પાંચ હજારથી વધુ વાહનો આ માર્ગો પર દોડે છે. ૩૬૦ કિ.મી.નો માર્ગ ૩૧ કિ.મી.ના દરિયાઇ માર્ગમાં ફેરવાતા સમય, નાણાંનો બચાવ થશે અને ટ્રાફીકની સમસ્યા હલ થશે. અને અર્થતંત્ર વધુ મજબૂત બનશે. અગાઉની સરકારોએ ટર્મિનલ બનાવવાની, માળખાકીય સુવિધાઓ અને ડ્રેજીંગની કામગીરીનો ખર્ચ નહીં ઉપાડતા આ યોજના ખોરંભે પડી હતી. વર્ષ ૨૦૧૨ માં મેં શિલાન્યાસ કર્યો હતો પરંતુ દરિયામાં કામ કરવા ભારત સરકારની પર્યાવરણીય મંજૂરીઓ નહીં મળતા અવરોધો ઉભા થયા હતા.પરંતુ સમુદ્રમંથનમાંથી જ અમૃત મળે છે. 
વીર મોખડાજીને યાદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સ્થાનિક યુવાધનને તૈયાર કરીને કોસ્ટલ સોશિયલ સિકયુરીટી ક્ષેત્રે રોજગારીની નવી વિપુલ તકોનું નિર્માણ થશે. જાપાને અલંગ શીપ બ્રેકીંગ યાર્ડના આધુનિક અને મોર્ડનાઇઝેશન માટે તત્પરતા દાખવી છે. ભાવનગર શીપ રી સાયકલીંગ યાર્ડમાં ૨૫ હજાર લોકો રોજગારી મેળવશે. અલંગ યાર્ડની ક્ષમતા વધશે પરિણામે મહુવા, પીપાવાવ, જાફરાબાદના રસ્તાઓનું વિસ્તરણ કરાશે. ધોલેરા જીૈંઇ વિશ્વનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર બનશે. ધોલેરાના વિકાસમાં આ ફેરી સર્વિસ હજીરા, પીપાવાવ, જાફરાબાદ, દમણ-દીવ સાથે જોડીને આગળ વધીશું. 
ભારતના સમૃદ્ધિના પ્રવેશદ્વાર બંદરો છે તેનો ઉલ્લેખ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બંદર સેકટરના વિકાસ માટે “સાગરમાલા કાર્યક્રમ”અમલી બનાવીને બંદરોનું આધુનિકરણ અને કોસ્ટલ ટ્રાન્સપોર્ટનો વિકાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં પોર્ટ સેકટરમાં આમુલ પરિવર્તન કર્યુ છે. કોસ્ટલ સર્વિસથી જોડાયેલા ધંધા રોજગારમાં સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા એક કરોડ રોજગારીની તકોનું નિર્માણ કરવાની પુરી સંભાવના છે. માછીમારો માટે બ્લ્યુ રીવોલ્યુશન દ્વારા અદ્યતન સુવિધા સાથેની બોટો મળે તે માટે કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ માછીમારોને રૂા.૪૦ લાખની સબસીડી મળશે. તેમ જણાવ્યુ હતુ. રો-રો ફેરી સર્વિસના ઉદ્દઘાટન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, કેન્દ્રિય રાજયમંત્રી મનસુખ માંડવીયા  સહિત રાજયના મંત્રીઓ, સાંસદ-ધારાસભ્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા. 
 

Previous articleવડાપ્રઘાન સાથે ૫૦ દિવ્યાંગ બાળકોએ રા-રો ફેરી પ્રવાસનો આનંદ માણ્યો…
Next articleમુખ્યમંત્રીના હસ્તે ૧૦૮ ઇમરજન્સી સેવાની મોબાઇલ એપનું લોન્ચીગ