લોકસભા ચૂંટણી સાથે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાય તેવી શક્યતા

827

કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે લોકસભા ચૂંટણી આગામી વર્ષે નિર્ધારીત સમયગાળામાં એપ્રિલ-મે માસમાં જ કરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપશાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો માટે જાન્યુઆરી સુધીમાં કમર કસી લેવાનો નિર્દેશ જાહેર કર્યો છે. તમામને પોતપોતાના રાજ્યોમાં ૨૦૧૪થી પણ મોટી જીત આગામી લોકસભા ચૂંટણીમાં પ્રાપ્ત કરવા માટે સંકલ્પબદ્ધ થવા માટે નિર્દેશ અપાયા છે.

ડિસેમ્બરમાં યોજાનારી ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીઓની સાથે જ લોકસભાની ચૂંટણી કરાવવામાં આવશે તેવી અફવા અને અટકળો ચર્ચામાં હતી. પરંતુ મંગળવારની બેઠકમાં હાજર રહેલા પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી અને અમિત શાહે ભાજપશાસિત રાજ્યોના તમામ મુખ્યપ્રધાનોને આવી અફવા પર ધ્યાન નહીં આપવા માટે તાકીદ કરી છે. તેની સાથે જ તેમને છત્તીસગઢની રમણસિંહની સરકારની તર્જ પર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર પોતપોતાના રાજ્યોમાં કેટલીક મહત્વની યોજનાઓ ચાલુ કરવાનું લક્ષ્યાંક પણ આપવામાં આવ્યું છે.

ભાજપશાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોની બેઠક સંદર્ભે પાર્ટી સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે બેઠકમાં મુખ્યપ્રધાનો પાસે લોકસભાની ચૂંટણી સાથે જ ઝારખંડ, હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી યોજવા માટેના વિકલ્પ પર અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. ઝારખંડ, હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાનો કાર્યકાળ ૨૦૧૯ના આખરમાં સમાપ્ત થઈ રહ્યો છે. ભાજપના રણનીતિકારોને લાગે છે કે આ ત્રણેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી લોકસભાની સાથે જ કરાવવાથી પાર્ટીને વડાપ્રધાન મોદીની છબીનો લાભ મળે તેવી સંભાવના છે.

Previous articleમને વડાપ્રધાને બે કલાક પહેલાં જ ફોન કરી જણાવ્યું હતું : મલિક
Next articleગૂગલમાં ઈડિયર લખતા કેમ મારો ફોટો ખૂલે છે : ટ્રમ્પ આકરા પાણીએ