ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણે કહ્યું હતું કે આજે બોલિવૂડમાં બાયો-ફિલ્મોની ભરમાર છે. મોટે ભાગે સફળ અને સુખી લોકોની બાયો-ફિલ્મ બનાવવામાં આવે છે.
’રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય લેવલની સેલેબ્રિટિઝની બાયો-ફિલ્મ બનાવવાની આજકાલ ફેશન થઇ પડી છે. પરંતુ મને કહેવા દો કે આમ આદમીની જિંદગી પણ ઓછી સંઘર્ષમય હોતી નથી. આમ આદમીમાં પણ ઘણા એવા મળી આવે જેમની બાયો -ફિલ્મ બનાવી શકાય. છેલ્લા થોડા મહિનામાં મને પણ કેટલીક બાયો-ફિલ્મની ઑફર્સ આવી હતી પરંતુ મેં કહ્યું એમ મને માત્ર સેલેબ્રિટીઝની બાયો-ફિલ્મમાં રસ પડે નહીં. એટલે મેં સવિનય એ ઑફર્સનો અસ્વીકાર કર્યો’ એમ દીપિકાએ કહ્યું હતું.
પદ્માવત ફિલ્મને દીપિકા બાયો-ફિલ્મ ગણવા તૈયાર નહોતી. પદ્માવત કે બાજીરાવ મસ્તાની તો ઇતિહાસના પાત્ર અને કલ્પનાનો સમન્વય કરીને બનાવાયેલી ફિલ્મો હતી. એને બાયો-ફિલ્મ કહી શકાય નહીં એવું એ દ્રઢપણે માને છે.
હાલ એ લગભગ ફ્રી જેવી છે. વિશાલ ભારદ્વાજની સપના દીદી ફિલ્મ દીપિકા ઇરફાન ખાન સાથે કરવાની હતી પરંતુ ઇરફાન ખાનને મગજમાં કેન્સરની ગાંઠ હોવાની વાત જાહેર થતાં વિશાલે એ ફિલ્મ મોકૂફ રાખી હતી.