દહેગામ શહેરના મોડાસા રોડ પર પાલૈયા સુધી સ્ટેટ હાઇવેની બંને તરફ દુકાનદારો દ્વારા શેડ, ઓટલા, ગલ્લા અને પાકી દુકાનો સહિતના દબાણો કરવામાં આવ્યા છે. વ્યાપક દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની ગઇ છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાલૈયાથી પશુ દવાખાના તરફ રોડની બંને સાઇડ પરની દુકાનોના માલિક, કબ્જેદારોને દિન સાતમાં શેડ, ઓટલા, ગલ્લા અને પાકી દુકાનોના દબાણો દૂર કરવાની નોટીસ ફટકારવામાં આવી છે.
દહેગામ એસટી સ્ટેન્ડ તરફથી મોડાસા રોડ પર પણ દુકાનદારો, ગલ્લાવાળાઓ દ્વારા શેડ, ગલ્લા, ઓટલા અને પાકા દબાણો કરવામાં આવતાં રોજબરોજ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઇ રહી છે. જેના ભાગ રૂપે શહેરમાં પાલિકાની હદમાં આવતાં દબાણો દૂર કરવા પાલિકાના તંત્ર દ્વારા દર શુક્રવારે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. દબાણકારો દ્વારા નોટીસ મળ્યાના સાત દિવસમાં દબાણો દૂર નહી થાય તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણો હટાવાશે તેમ મહેન્દ્રભાઇ પરમારે જણાવ્યુ હતુ.