ગાંધીનગરમાં ચાલી રહેલી ગેરકાયદે બાંધકામની કાર્યવાહીને બુધવારે બંધ રાખવામાં આવી હતી. સેક્ટર ૨૪માં તોડફોડ રોકીને આગળના દિવસો દરમિયાન કરાયેલી તોડફોડના પગલે વેરાયેલો કાટમાળ મહાપાલિકા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. દરમિયાન સ્થાયી સમિતિ દ્વારા કાયદેસરના રહેણાંકના મકાનોમાં ક્ષતિ પહોંચવાના કિસ્સામાં ચોક્કસ વળતર આપવા મુદ્દે વિચારણા કરવા અધિકારીઓને સુચન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત દબાણ હટાવવાની કામગીરીમાં વ્હાલા દવલાની નીતિ રાખવાથી દુર રહેવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ કહેવાયું હતુ.
મંગળવારે સેક્ટર ૨૪ના મુખ્યમાર્ગ પર ગેરકાયદે બાંધકામ પર જેસીબી ફેરવવામાં આવ્યા તે દરમિયાન કેટલાક સતાવાર મકાનને નુક્શાન પહોચ્યુ હતુ. શ્રમજીવીકક્ષાના પરિવારના સભ્યો આમ થવાના કારણે વિવશ બની ગયા હતા અને રસોઇ કરવાના ફાંફા વીજળી અને ગેસલાઇન બંધ રહેવાના કારણે તેમને થઇ જતાં વ્યાપક રોષ ફેલાયો હતો. સ્થિતિ એવી આવીને ઉભી રહી ગઇ હતી કે ભાજપ સંગઠન દ્વારા યોજવામાં આવેલા મેડિકલ કેમ્પનો લોકો બહિષ્કાર કરશે.