કલોલમાં મેગા જોબ ફેરમાં એક જ છત્ર નીચે ૧૭૦૦ યુવાઓને રોજગારી અપાઈ

1102

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવાશક્તિને વ્યાપક રોજગાર અવસરો આપવા મેન્યૂફેકચરીંગ સેકટર સાથે સર્વિસ સેકટરને પણ જોબ ક્રિયેશન ક્ષેત્રે સાંકળી લેવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશની કુલ વસ્તીના પપ ટકા ૧૮ થી ૩પ વયની વ્યક્તિઓ ધરાવતો ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. રાષ્ટ્ર-રાજ્યની એસેટ સમી યુવાશક્તિને શિક્ષણથી સજ્જ કરી તેને યોગ્ય રોજગારી આપવાનું દાયિત્વ સરકારોએ નિભાવવાનું છે. સર્વિસ સેકટરમાં હોસ્પિટાલીટી, બેન્કીંગ, સિકયુરિટી વગેરે ક્ષેત્રો રોજગાર સર્જનમાં જોડવા છે એમ તેમણે કહ્યું હતું.

ગુજરાતમાં હર હાથ કો કામ હર ખેત કો પાનીના મંત્ર સાથે કાર્યરત આ સરકારે યુવાનોને રોજગારીની તકો પૂરી પાડી ભવિષ્યની ઉજ્જવળ કારકીર્દીની ઊંચી છલાંગની નવી દિશા આપી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ ગાંધીનગર જિલ્લાના કલોલમાં કલોલ તાલુકા કેળવણી મંડળ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે મેગા જોબ ફેરનો પ્રારંભ કરાવ્યો હતો.

આ જોબ ફેર દ્વારા એક જ છત્ર નીચે એક સાથે ૧૭૦૦ યુવાઓને રોજગાર અવસરો ઉપલબ્ધ કરાવવાના આ ઉપક્રમને તેમણે બિરદાવ્યો હતો. આ યુવાનોના માતા-પિતા એ પરિવારોના સપના સાકાર થશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

વિજયભાઇ રૂપાણીએ આ સાથે સી. આઇ. પટેલ ઇગ્લીંશ મીડીયમ સ્કુલના ઓડિટોરિયમનું પણ ઉદઘાટન કર્યુ હતું. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની સફળતા અને પોલીસી ડ્રીવન સ્ટેટને પરિણામે ઔદ્યોગિક વિકાસ થતાં યુવાશકિતને કામ-રોજગાર આપવામાં સફળતા મળી છે.

તેમણે રાજ્યની ય્ૈંડ્ઢઝ્ર વસાહતોમાં મોટા ઊદ્યોગો સાથો સાથ લઘુ-મધ્યમ ઊદ્યોગો પણ સ્થાનિક રોજગારીનું સક્ષમ માધ્યમ બન્યા છે તેની વિશેષતાઓ વર્ણવી હતી. રાજય સરકાર દર વર્ષે મેગા જોબ ફેર કરીને ઊદ્યોગ ગૃહોમાં સ્થાનિક યુવાઓને મોટા પાયે રોજગારી આપવા સંકલ્પબદ્ધ છે.

ગુજરાત છેલ્લા ૧પ વર્ષથી રોજગારી આપવામાં નંબર-વન છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સમગ્ર દેશમાં એમ્પ્લોયમેન્ટ એકસચેન્જ દ્વારા અપાતી રોજગારીમાં ગુજરાત એકલું ૭૪ ટકા રોજગાર આપે છે. રાજ્યમાં ગારમેન્ટ અને એપરલ પોલીસી તહેત મહિલા રોજગારીને પ્રોત્સાહન આપવા મહિલા કારીગરો માટે રૂ. ૪ હજારની પે રોલ સહાય સરકાર ચૂકવે છે આના પરિણામે નારીશક્તિને પણ વ્યાપક રોજગારીની તકો મળી છે.

રાજ્યમાં ખાનગી ક્ષેત્ર સાથોસાથ સરકારી સેવાઓમાં પણ પારદર્શી ધોરણે યુવાશક્તિની ભરતી કરીને ગત વર્ષે ૭ર હજાર યુવાનોને સરકારી સેવામાં જોડયા છે. આ વર્ષે વધુ ૧૭ હજાર યુવાઓને સરકારી સેવાની તક આપવી છે એમ પણ રોજગાર સર્જનની પ્રતિબદ્ધતા દર્શાવતા ઉમેર્યુ હતું. રાજ્યમાં શિક્ષણ સંસ્થાઓ પણ એવી જોબ ઓરિએન્ટેડ બનાવી છે કે અહિંથી શિક્ષા-દિક્ષા પ્રાપ્ત કરીને નીકળનારા યુવાનને તૂરત જ વ્યવસાય-રોજગાર મળી જાય છે.

ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડયાએ મેગા જોબ ફેરની રૂપરેખા સાથે સ્કીલ આધારિત મેન પાવરનો ડેટા બેઝ પોર્ટલ તૈયાર થઇ રહ્યો છે તેમ પણ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું. ગુજરાત વેપારી મહામંડળના પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારી તથા કેળવણી મંડળના પ્રમુખ પ્રફુલભાઇ તલસાણીયાએ પ્રાસંગિક સંબોધન કર્યા હતા.

આ અવસરે ધારાસભ્યો બળદેવજી ઠાકોર, સુરેશભાઇ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જૈમિન વસા, મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા તેમજ ટ્રસ્ટીઓ-અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleહાર્દિકના ઉપવાસ સાતમાં દિવસેય યથાવત રીતે જારી
Next articleએબીપીએસએસ દ્વારા વૃક્ષારોપણ