ગુજરાત રાજય પ્રેસ અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા માહિતી કચેરી, સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે વિજયનગરના અભાપુરના પોળો ફોરેસ્ટ હોટેલ અને ટ્રી-હાઉસ ખાતે પરીસંવાદ યોજાયો હતો.
” ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ” વિષય પર યોજાયેલ પરિસંવાદના અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન કરતા ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ અને સંયુક્ત માહિતી નિયામક પુલકભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજના ઝડપી યુગમાં મિડીયાએ સજ્જતા કેળવવી જરૂરી છે. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ બંને અલગ હોઇ જ ન શકે કેમકે આ માધ્યમો લાગણી અને સંવેદના વ્યકત કરવાનું કામ કરે છે. પત્રકારત્વએ નજરે જોયેલુ અને આજનું સત્ય ઉજાગર કરવાનું કામ કરે છે. તેમણે જાપાનના તોતો ચાન પુસ્તકનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, માત્ર એક સમાચારના માધ્યમથી પ્રકાશિત થયેલ વાત આજે એક પુસ્તક સ્વરૂપે પ્રગટ થઇ છે જેને શિક્ષણવિદ્દો બાઇબલના ગ્રંથ સમાન માને છે. એક સમાચારની એટલી તાકાત હોય છે કે જે લોકોના માનસપટ પર કાયમી અંકિત થઇ જાય છે. પત્રકારત્વમાં એક સાહિત્યકાર સમાયેલો હોય છે. પત્રકારત્વ એક એવો વ્યવસાય છે જે સમયની સાથે પોતાની જાતને સુધરવાની તક આપે છે. પત્રકાર દ્વારા લખાયેલી કોઇ પણ વાત પ્રેરણાદાયી હોય છે.
વધુમાં પુલકભાઇ ત્રિવેદીએ ઉમેર્યુ હતું કે, મિડીયામાં એક્શન અને રિએક્શનની થિયરી હોય છે. સાહિત્ય એ અનુભવ આધારીત હોય છે જયારે પત્રકારત્વએ નજરે જોયેલુ અને સમયસર પંહોચાડવાનું કામ કરે છે એના જેના થકી લખાયેલુ લખાણ કાયમી ચિરંજીવી બને છે.
તેમણે લોકો સાથે કઇ રીતે જોડાયેલા રહી શકાય તેની સરસ વાત કરતા ઉમેર્યુ હતું કે, કોઇ ગરીબ માણસને મળેલા ઘરની સહાય તેના જીવનમાં અજવાળુ પાથરવાનું કામ કરે છે જે પત્રકારત્વથીજ શક્ય બને છે. તેમણે કલમની તાકાતને હકિકત આધારીત સમાચારની દિશામાં વાળવા અનુરોધ કર્યો હતો.
પરીસંવાદના વક્તા અને ચિત્રલેખાના કટાર લેખક કેતનભાઇ ત્રિવેદીએ સાહિત્યકાર અને પત્રકારત્વ વચ્ચે પાતળી ભેદરેખા હોવાનું જણાવી ઉમેર્યુ હતું કે, પત્રકારે શબ્દોની મર્યાદામાં રહેવાનું હોય છે. જયારે સાહિત્યકાર માટે આ કોઇ બંધન હોતુ નથી. પત્રકારત્વ એ ઉતાવળે રચાયેલુ સાહિત્ય છે. પત્રકાર એ કર્મ પ્રધાન હોય છે જયારે સાહિત્યકાર એ ઉર્મિ પ્રધાન હોય છે. સાહિત્યકારની એક ચોક્કસ શૈલી અને વાચક વર્ગ હોય છે જયારે પત્રકારત્વએ સર્વ જન હિતાયની વાત કરવાની હોય ત્યારે સજ્જતા કેળવવી જરૂરી છે.
સાહિત્યકારની વાતમાં ગામડાના પાળીયા, મંદિર અને શૂરવીરતાની વાતો હોય છે જયારે ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ એક પત્રકાર કરે છે એમ જણાવતા સાહિત્યકાર નટવર હેડાઉએ ઉમેર્યુ હતું કે, પત્રકારત્વએ નવી પ્રેરણા અને ઉર્જા આપવાનું કામ કરે છે.
સાબરકાંઠા નાયબ માહિતી નિયામક શ્રી એચ.સી.ઉપાધ્યાયે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી મહેમાનોને સ્વાગત આવકાર આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માહિતી મદદનીશ હરીશ પરમારે કર્યુ હતું. પરીસંવાદને સફળ બનાવવા માહિતી કચેરીના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. પરીસંવાદમાં પ્રિન્ટ-ઇલેકટ્રોનિક મિડીયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.