ન્યૂ ગાંધીનગરમાં ૧૧૨ સ્થળેથી બ્રિડીંગ મળ્યા

1183

ડેન્ગ્યુની બિમારી ફેલાવતા એડીસ ઇજીપ્તી મચ્છરને ઉછરવા માટે ‘એક ચમચી પાણી’ પુરતુ  છે. ત્યારે ન્યુ ગાંધીનગર કુડાસણ-સરગાસણની રહેણાંક તથા કોમર્શીયલ બિલ્ડીંગમાંથી સંખ્યાબંધ જગ્યાએથી પાણી ભરાયેલા મળી આવ્યા છે.

જિલ્લા મેલેરીયા શાખા દ્વારા આ સ્થળોમાં બ્રિડીંગની તપાસ કરતા ૧૧૨ સ્થળેથી મચ્છરોનાં બ્રિડીંગ મળ્યા છે. બ્રિડીંગ મળવા એટલા માટે ગંભીર છે કે સતત મેલેરીયા વિભાગ કામ કરી રહ્યો છે. સોસાયટીનાં આગેવાનોની મિટીંગ કરીને પોત પોતાની સોસાયટી પુરતી કાળજી રાખવા માટે વિનંતી સાથે તાકીદ કરી છે. છતા કોઇ ફેર ન પડતા ઘરમાં જ તથા ઘર આંગણે મચ્છરો ઉત્પન થઇ રહ્યા છે. ડેન્ગ્યુ તથા મેલેરીયાનાં કેસો પણ સામે આવી રહ્યા છે. મેલેરીયા શાખા દ્વારા શુક્રવારે શ્રીફલ સોસાયટીમાં તપાસ હાથ ધરવામાં આવતા ગાર્ડનમાંથી જ ૨૦૦ જેટલા ફુલછોડનાં કુંડા મળ્યા હતા. મોટા ભાગનાં કંડુમાં પાણી ભરાયેલુ હતુ અને મચ્છરોનાં બ્રિડીંગ પણ હતા. સાર્થેક સર્જક તથા વૃંદાવન ટ્રેડ સેન્ટરની સાઇટ પર ભરાયેલા પાણી પણ મચ્છરોની ફેકટરી બની ગયા હતા. આ તમામને નોટીસો આપવામાં આવી રહી છે. કુડાસણ વિસ્તારની આ તમામ સોસાયટીઓમાં તપાસ કરતા ઘણા દિવસો નિકળી જાય તેવી સ્થિતી છે. પરંતુ સ્થાનિકો પોતાનાં આરોગ્ય માટે પણ આ બાબતે કાળજી રાખવા તૈયાર નથી. નાગરીકો પોતાની સોસાયટીઓમાં ફુલનાં કુંડા, પાણી ભરાય તેવી જગ્યા, ઘરમાં કુલર, ફ્રિજની ટ્રે તથા પાણી ભરાય રહે તેવી ચિજોની યોગ્ય સફાઇ કરે તેવી અપીલ જિલ્લા મેલેરીયા અધિકારી મમતાબેન દતાણી દ્વારા કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં આવેલી રેસીડન્સ સોસાયટીઓમાં તાવ, મેલેરીયા, ડેન્ગ્યુના કેસ વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવી રહ્યાં છે. જેને લઇને આ વિસ્તારમાં આરોગ્યની ટીમ દ્વારા બે દિવસ ખાસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેના પ્રથમ દિવસે તંત્રના સામે ચોકવનારી વિગતો સામે આવી છે. જેમાં ૧૪૦ જગ્યાએ મચ્છરોના મોટા પ્રમાણમાં પોરા મળી આવ્યા છે. જેને લઇને આ વિસ્તારની છ સોસાયટીઓને મેલેરિયા વિભાગે નોટિસ ફટકારી છે.

આ અંગે આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર નજીક આવેલાં કુડાસણ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ દિવસે દિવસે વધી રહ્યો છે અને આ વિસ્તારમાંથી ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ સામે આવ્યા છે. ત્યારે આ છુટા છવાયા કેસ રોગચાળામાં ફેરવાય નહીં તે માટે આરોગ્ય વિભાગે બે દિવસીય ખાસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે તેમાં ૩૪ મલ્ટીપર્પસ વર્કર તથા આઠ સુપરવાઇઝરની ટીમ બનાવવામાં આવી છે. જેમના દ્વારા આ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે.

ઘરે ઘરે જઇને પાણીના પાત્રો તપાસવામાં આવ્યા હતા. જેમાં પક્ષીકુંજ, કુંડા, ફ્રીજની ટ્રે તેમજ ધાબામાં પાણી ભરાયેલું હોવાના કારણે મચ્છરોના મોટા પ્રમાણમાં પોરા મળી આવ્યા હતા. આ ઉપરાંત લાંબા સમયથી બંધ ઘરની બાલ્કનીમાં પણ મચ્છરોના પોરા જોવા મળ્યા હતાં. આવી સ્થિતિ રહીશોના સ્વાસ્થ્ય માટે નુકશાનકારક તેમજ રોગચાળો ફેલવવા માટે ખુબ અનુકૂળ હોવાને લઇને તાત્કલિક અહીંથી પોરાનો નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તપાસ દરમિયાન સ્વાગત રેઇનફોરેસ્ટમાં ૩૫ જગ્યાએ જ્યારે સુવાસીની હોમ્સમાં ૧૩, શુભ કેન્ડીડમાં ૧૨, સિધ્ધદાતા આસ્થામાં ૧૧, સોપાનમાં ૧૦ અને શુકન સિલ્વરમાં ૧૪ જગ્યાએ મચ્છરોના પોરા મળી આવ્યા હતા. જેને લઇને આ સોસાયટીઓને પણ નોટિસ આપવામાં આવી છે. પ્રથમ દિવસે કુલ ૨૬૧૪ ઘરોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૧૪૦ જગ્યાએ મોટા પ્રમાણમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતાં.

Previous articleયુએસ ઓપન ટેનિસ : રાફેલ નડાલની થયેલ રોમાંચક જીત
Next articleકોલવડા ગોગા મહારાજના મંદિરે મેળો ભરાયો