ચિન્મય મિસન ભાવનગર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગીતા ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. છેલ્લા અઢાર વર્ષથી ભાવનગર શહેરમાં આ પ્રકારની સ્પર્ધાનું નિયમીતપણે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ સ્પર્ધાનો પ્રિલીમીનરી રાઉન્ડ ૨૯ ઓગષ્ટથી ૧૨ સપ્ટેમ્બર સુધી આયોજન થનાર છે. આ રાઉન્ડમાં બાવનગર શહેરની ૬૧ જેટલી શાળાઓના સાડા પાંચ હજાર કરતાં પણ વધારે બાળકોએ ભાગ લીધેલ છે. પ્રિલીમીનરી રાઉન્ડમાં વિજેતા બનેલા બાળકોની સેમિફાઈનલ અને ફાઈનલ સ્પર્ધાઓ પણ આયોજીત થશે. બાળકોની અંદર ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંવર્ધન માટે આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. બાળક માત્ર બાહ્ય રીતે નહિ પરંતુ અંદરથી પણ મંત્ર શક્તિની તાકાતથી વધુ તેજોમય અને પ્રેરણાવાન બને તેવા પ્રયત્નો આ પ્રકારની સ્પર્ધાના માધ્યમથી કરવામાં આવે છે.
કાળીયાબીડ ખાતે આવેલા ભાવાશ્રમ બ્રહ્મચારી સ્વામી સમાત્માનંદજીએ જણાવેલ કે ચિન્મય મિશન દ્વારા આ આંખુ વર્ષ બાળકોના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઘડતર માટે અનેક વિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં ગીતા ગાન સ્પર્ધા ઉપરાંત બાલશિબીર, નિયમિત રીતે ચિન્મય બાલ વિહાર વર્ગો, વેદાંત અભ્યાસ માટેના સ્વાધ્યાય વર્ગો તથા નવરાત્રિમાં બહેનો માટે જાહેર રાસ ગરબાનું આયોજન સહિત અનેકવિધ સમાજને પોષક થાય તેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ વર્ષે વિક્રમ જનક કહી શકાય તે રીતે સાડા પાંચ હજાર કરતાં પણ વધુ બાળકોએ ગીત ગાન સ્પર્ધામાં ભાગ લીધો છે. ફાઈનલ સ્પર્ધા મહાત્મા ગાંધીજીના જન્મદિન એટલે કે બીજી ઓકટોબરના રોજ યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તથા વિજેતા થનાર બાળકોને મેડલ અને પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.