૨૪ કલાકમાં ચર્ચા નહીં થાય તો હાર્દિક જળત્યાગ પણ કરશે

1629

હાર્દિક પટેલના અનશન ૧૨માં દિવસે પણ આજે જારી રહ્યા હતા. પાટીદાર નેતા હાર્દિકની તબિયત એકબાજુ લથડી રહી છે ત્યારે ગુજરાત સરકાર અને હાર્દિક વચ્ચે જોરદાર મડાગાંઠની સ્થિતિ સર્જાયેલી છે. હાર્દિક પટેલ તરફથી હવે અલ્ટીમેટમ પણ આપી દેવામાં આવ્યું છે. હાર્દિક પટેલના સાથી મનોજ પનારાએ કહ્યું છે કે સરકાર ખૂબ જ ઉદાસીન દેખાઈ રહી છે. અમે વાતચીત માટે તૈયાર છીએ. ખુલ્લા મનથી વાતચીત માટે તૈયાર છીએ. હાર્દિકથી તરફથી હવે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે જો ૨૪ કલાકમાં વાતચીત નહીં કરે તો હાર્દિક પટલે જળ ત્યાગ કરશે. હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે મડાગાંઠ દિન પ્રતિદિન જટીલ બની રહી છે. આ મડાગાંઠનો ઉકેલ લાવવાની જરૂર પણ દેખાઈ રહી છે પરંતુ હાર્દિક પટેલની તબિયત લથડી રહી છે. જુદી જુદી ચર્ચાઓ હવે જોવા મળી રહી છે. મળેલી માહિતી મુજબ આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિકને મનાવવા માટે મધ્યસ્થી બનેલી પાટીદાર સંસ્થાના આગેવાન સીકે પટેલ સામે ભારે વિરોધ થઈ ચુક્યો છે.

હવે ખોડલધામના નરેશ પટેલને મધ્યસ્થી બનાવીને સરકાર સાથે વાતચીત કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. પાટીદાર તરફથી પણ હજુ સુધી હળવુ વલણ અપનાવવામાં આવી રહ્યું નથી. આવી સ્થિતિમાં મડાગાંઠ વધુ ગંભીર બની છે.

સરકાર સાથેની વાટાઘાટમાં સીકે પટેલને દુર રાખવા માટેની માંગ ઉઠી રહી છે. નરેશ પટેલને મધ્યસ્થી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પાટીદાર આંદોલન સમિતિ અને સરકાર વચ્ચે મધ્યસ્થીની વાતચીત શરૂ થયા બાદ કોઈ સમસ્યાનો નિકાલ આવે તેમ દેખાઈ રહ્યું છે. હાલમાં સરકાર અને હાર્દિક પટેલ બંને પોતપોતાના વલણ ઉપર મક્કમ દેખાઈ રહ્યા છે.

કોંગ્રેસે પાટીદાર અનામત સંદર્ભે સ્પષ્ટતા કરવી જોઇએ : સરકાર

ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફી સાથે ૧૨ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્દિક પટેલ જોડે વાતચીત કરી કોઈ ઉકેલ લાવવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી તા.૧૮ સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા ચોમાસું સત્રમાં ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવાની આજે કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા તેમજ ખેડૂતના દેવા માફીની માંગ સાથે આજે ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણાંનો કાર્યક્રમ યોજી સરકારના સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ખેડૂતોના પ્રશ્ને ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આજે સવારથી કોંગ્રેસ પક્ષ દ્વારા ત્રણ કલાક સુધી પ્રતિક ધરણા યોજાયા હતા. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ખાસ હાજરી આપવા આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોની તાકાત પર સત્તામાં આવેલી ભાજપ સરકાર કેમ ખેડૂતોના દેવા માફ કરતી નથી. મોદી રાજમાં બબ્બે મોદી અને માલ્યાને ભાગવાની તક મળી હોવાથી નરેન્દ્ર મોદીએ પોતાના મનની વાત કરવાના બદલે ખેડૂતો, યુવાનો અને મહિલાઓના મનનો અવાજ સાંભળવો જોઈએ. દરમ્યાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ઋણમુક્ત કરવા સાથે હાર્દિક પટેલ સાથે વાતચીત કરી કોઈ સુખદ ઉકેલ લાવવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. તેમણે ભાજપ સરકારને ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાના બદલે કૃષિ બજેટ વધારવા સાથે ખેડૂતોના દેવા માફ કરી લોન, સબસીડી આપવા માંગ કરી હતી. તો, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને કેન્દ્રમાં ખેડૂત વિરોધી ભાજપ સરકારના કારણે ખેડૂતોની દુર્દશા થઇ છે. આ સરકારને મત આપનાર ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને નાના વેપારીઓ તેમને અપાયેલા વચનોમાંથી એકપણ વચન પૂર્ણ નહીં થતા આજે હિસાબ માંગી રહ્યા છે. આ સરકારે ખેડૂતને દુઃખી કરી તમામ સમાજ અને વર્ગને દુઃખી કર્યા છે. રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો, પાક વીમો, ઊભા પાકને રક્ષણ, સિંચાઈ અને ૧૬ કલાક વીજળી સાથે દેવા માફ કરવા જોઈએ. તેમણે કહ્યું કે, ઉદ્યોગપતિઓને ખેરાત કરતી આ સરકાર ખેડૂતોના દેવા માફી સાથે હાર્દિક પટેલ સાથે વાતચીત કરી ઉકેલ નહીં લાવે તો ખેડૂતોના સહકારથી તા.૧૮-૧૯ સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. આજના ધરણાં કાર્યક્રમ બાદ કોંગ્રેસના પૂર્વ-વર્તમાન ધારાસભ્યો અને આગેવાનો સાથે કોંગી પ્રતિનિધિમંડળ તરફથી સરકારના સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

હાર્દિકને મળવા આવેલા કોંગી નેતાની પાસેથી રિવોલ્વર મળી

પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફીની માંગણી સાથે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો ૧૨મો દિવસ છે. કોંગ્રેસ સહિત અન્ય રાજનેતિક પાર્ટીના નેતાઓ-મહાનુભાવો હાર્દિકની મુલાકાત માટે ઉપવાસ સ્થળે પહોંચી રહ્યાં છે. ત્યારે કોંગી નેતા જયેન્દ્રસિંહ પરમાર પણ આજે હાર્દિકને મળવા માટે ગ્રીનવુડ રિસોર્ટ પહોંચ્યા હતા.

જો કે, પોલીસ દ્વારા ગ્રીનવુડ રિસોર્ટની બહાર ચાલી રહેલા સઘન ચેકિંગ દરમ્યાન જયેન્દ્રસિંહની કારમાંથી રિવોલ્વર મળી આવતાં પોલીસે કોંગી નેતા જયેન્દ્રસિંહની અટકાયત કરી હતી.

કોંગી નેતાની અટકાયતને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, સરકારના ઇશારે પોલીસની કાર્યવાહીના પક્ષપાતને લઇ કોંગ્રેસ પક્ષમાં પણ  ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. કોંગી નેતાની અટકાયતને પગલે રાજકીય વર્તુળમાં પણ મામલો ગરમાયો હતો. બીજીબાજુ, સોલા સિવિલની મેડિકલ ટીમ દ્વારા આજે હાર્દિકના પલ્સ, બ્લડ પ્રેસર અને સુગરની તપાસ કરવામાં આવી હતી. જ્યારે તેનું વજન આજે ૬૬ કિલો નોંધાયું હતું, પરંતુ ગઈકાલે તેનું વજન ૫૮ કિલો થયું હતું.  જેને પગલે બે દિવસના અલગ-અલગ વજનને લઇ સર્જાયેલા વિરોધાભાસનો એક નવો વિવાદ સામે આવ્યો હતો અને હાર્દિકના વજનમાં આવેલા ફેરફારને લઇ અનેક સવાલો ઉઠયા હતા. ડોકટરોએ લૂલો બચાવ કરી હાર્દિકના વજનમાં થયેલા ધરખમ વધારાને ટેક્નિકલ ભૂલનું ગાણું ગાઈને હાથ ઊંચા કરી દીધા હતા. ડોકટરે જણાવ્યું હતું કે વજનનો તફાવત ટેક્નિકલ ભૂલથી થયો હોય અથવા સરખી રીતે હાર્દિક ન ઊભો રહ્યો હોય તેના કારણે થયો હોઈ શકે છે. હાર્દિકના આરબીએસ રિપોર્ટમાં સરકારી ડોક્ટરની તપાસ મુજબ, ૧૧૨ હતું જ્યારે ખાનગી રિપોર્ટમાં ૪૭ આવ્યું હતું. ગત તા.૨૫મી ઓગસ્ટે આમરણાંત ઉપવાસ પર હાર્દિક પટેલ ઉતર્યો ત્યારે તેનું વજન ૭૮ કિલો હતુ અને ઉપવાસના ૧૧માં દિવસે તેના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને એક મણ એટલે કે ૨૦ કિલો જેટલું વજન ઘટી ગયુ હતું અને હાર્દિક ૫૮ કિલોનો થયો હતો. જો કે, આજના વજનમાં આવેલા વધારાને લઇ ભારે વિવાદ ચાલ્યો હતો.

આંદોલનનો સુખદ અંત લાવો, ધાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી રૂપાણીને મળવાનો સમય માગ્યો છે. ધાનાણીએ પત્રમાં લખ્યું કે હાર્દિકના આંદોલનનો સુખદ અંત લાવવો જોઇએ. સાથે જ તેઓએ પત્રમાં ખેડૂતોના દેવા માફી અંગે પણ અનુરોધ કર્યો હતો. તો આ દરમિયાન રાજ્ય સરકારના મંત્રી સૌરભ પટેલે વિપક્ષનો ઉધળો લીધો હતો. તેઓએ કહ્યું કે અનામત મુદ્દે કોંગ્રેસ એક શબ્દ બોલી નથી.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં પરેશ ધાનાણીે સરકાર પર પ્રહારો કર્યા હતા. સાથે જ રૂપાણીને મળવાનો સમય માગ્યો હતો. પત્રાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે છેલ્લા ૧૨ દિવસથી એક યુવક આંદોલન ચલાવી રહ્યો છે, અને સરકારના પેટનું પાણી પણ હલતું નથી. સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઇએ. અને આંદોલનનો સુઃખદ અંત લાવવો જોઇએ.

Previous articleકાળીયાબીડના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : રોકડ અને ઘરેણાની ચોરી
Next article૨૦ વર્ષ જૂના કેસમાં સંજીવ ભટ્ટની ધરપકડ