પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા હવાતિયા મારતી કોંગ્રેસ હવે આવેદન પત્રો આપી સમાજ અને પ્રજાને ગેરમાર્ગે દોરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહી છે. પોતાનો અંગત સ્વાર્થ અને હિત સાધવા માટે કોંગ્રેસ સાથે મળીને નીકળી પડેલા કહેવાતા આંદોલનકારીઓ અને કોંગ્રેસને હું સીધો અને સ્પષ્ટ પ્રશ્ન પુછવા માંગુ છું અને આશા રાખુ છું કે મારા પ્રશ્નનો તેઓ પણ સીધો અને સ્પષ્ટ જવાબ આપશે. કોંગ્રેસ જાહેર કરે કે તે શું ઓબીસીમાંથી અનામત આપશે ? આંદોલનકારીઓ પણ સ્પષ્ટ કરે કે શું કોંગ્રેસે તેમને ઓબીસીમાંથી અનામત આપવાની કોઇ ફોર્મ્યુલા કે બાંહેધરી આપી છે ? તાજેતરમાં કોંગ્રેસ દ્વારા મહામહીમ રાજ્યપાલ તથા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન પત્ર આપ્યું. આ બંને આવેદન પત્રોમાં કોંગ્રેસે અનામતનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. આજનું આવેદનપત્ર પણ છેતરામણું અને જુઠ્ઠુ સાબિત થયુ છે. કોંગ્રેસ ઓબીસીમાંથી અનામત આપવાની માંગણી કરતું આવેદનપત્ર કેમ નથી આપતી ? અગાઉ પાટીદાર પંચાયતમાં ‘‘ઓબીસીમાંથી જ અનામત જોઇએ તેનાથી ઓછું કાંઇ ખપતું નથી’’ તેવી વાતો કરનારા આજે અનામત બાબતે કેમ ચુપ છે ? આંદોલનકારીઓને સાથે રાખી કોંગ્રેસ સમાજમાં વર્ગવિગ્રહ ફેલાવવા માંગે છે. સુખી સમૃધ્ધ ગુજરાતની શાંતિ ડહોળવા માંગે છે. કોંગ્રેસે હંમેશા વોટબેંક અને જુઠ્ઠાણાંની રાજનીતિ કરી છે. કોંગ્રેસે બક્ષીપંચને છેતર્યા, એસ.સી.એસ.ટી. ને પણ છેતર્યા છે અને હવે પાટીદારોને પણ છેતરી રહી છે. રાહુલ ગાંધીને હોટલમાં જઇ ખાનગી રીતે મળવું અને બહાર આવી સમાજ સામે સાવ જુદી જ વાત કરવી તે દર્શાવે છે કે, અનામતના નામે કોંગ્રેસ અને તેના એજન્ટો દ્વારા કુલળીમાં ગોળ ભાંગવાનું કામ થઇ રહ્યુ છે.કોંગ્રેસના પૂર્વ મંત્રી કપિલ સિબ્બલે પણ ચૂંટણી પહેલા અનામતની ફોર્મ્યુલાની વાત કરી હતી. આ ફોર્મ્યુલા પણ હજી સુધી જાહેર કરવામાં નથી આવી. બંધારણીય રીતે જો ઓબીસીમાંથી અનામત આપી શકાય તેમ હોય તો કોંગ્રેસ જાહેર કરે. કોંગ્રેસ હંમેશા બે મોઢાની વાતો કરતી રહી છે. ‘‘ચોરને કહે ચોરી કર અને સિપાહીને કહે જાગતો રહેજે’’. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, લોકતંત્રમાં આંદોલન કરવાનો તેમજ પોતાની માંગણીઓ મુકવાનો બધાને અધિકાર છે પરંતુ પોતાની માંગ પુરી કરવા જબરજસ્તી કરવી તેવું ક્યારેય ગાંધીજીએ પણ કહ્યું નથી. સરકાર એ તમામ સમાજ અને વર્ગોનું હિત જોવાનું હોય છે. ત્યારે બંધારણના નીતિ-નિયમોને આધારિત યોગ્ય માંગણીઓ હોય તો સરકાર ચોક્કસથી તેનો સ્વીકાર કરે પરંતુ માત્રને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા માટે ઇમોશનલ બ્લેકમેઇલીંગ કરવું તે વ્યાજબી નથી. ભાજપા સરકારે બંધારણની મર્યાદામાં રહીને એસ.સી.એસ.ટી. તથા ઓબીસીની અનામત જળવાઇ રહે તે રીતે બીન અનામત આયોગ/નિગમ, યુવા સ્વાવલંબન યોજના વગેરે જેવા અનેક પગલાંઓ બીનઅનામત સમાજના હિત માટે લીધા છે. ત્યારે ફરીથી કહું છું કે, રાહુલ ગાંધી ખુલ્લો પત્ર લખીને જાહેર કરે કે શું કોંગ્રેસ પાટીદાર સમાજને ઓબીસીમાંથી અનામત આપશે ? વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના શાસનમાં ગુજરાતના ખેડુતો પાયમાલ હતા, કોંગ્રેસના ગુંડારાજમાં ગામડું થરથર ધ્રુજતુ હતું તેમજ પાયાની તમામ સુવિધાઓનો પણ ગામડામાં અભાવ હતો. જ્યારે ભાજપાના શાસનમાં ગામડામાં ૨૪ કલાક વીજળી, રોડ-રસ્તા, પીવાનું શુધ્ધ પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી તમામ સુવિધાઓ મળી રહી છે. ભાજપાની કૃષિલક્ષી નીતિઓને કારણે ગુજરાતનો ખેડૂત સુખી અને સમૃધ્ધ બન્યો છે.