મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં આઠમાં એગ્રી એશિયા એકઝીબીશન-સેમિનારનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટ કહ્યું કે કિસાનોની આવક બમણી કરવા અદ્યતન ટેકનોલોજીયુકત કૃષિ માટે ધરતીપુત્રોએ માનસિકતા બદલવાની આવશ્યકતા છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, આપણા કૃષિપ્રધાન દેશમાં જય જવાન-જય કિસાનના નારા સાથે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલજીએ જય વિજ્ઞાન જોડીને જગતના તાતને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ માટે પ્રેરિત કર્યા છે.
ખેડૂતના બાવળામાં બળ છે અને તેને વીજળી, પાણી, બિયારણ સાથે યોગ્ય કૃષિ જ્ઞાન-વિજ્ઞાનનો સમન્વય મળે તો દુનિયા આખીની ભૂખ ભાંગવાની એનામાં તાકાત છે. રાજ્ય સરકારે પાણી, વીજળી ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. ચેકડેમ, નર્મદા યોજના, સૌની યોજના અને સુજલામ સુફલામ થકી છેવાડાના ગામો સુધી સિંચાઇ માટે પાણી પહોચાડયા છે.
ખેડૂતો માટે પહેલાં ‘જગતનો તાત રૂવે દિન રાત’ કહેવાતું એનો ઉલ્લેખ કરતાં ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેતી સમૃધ્ધિ માટે પાયાના સ્તરે અનેક કૃષિ કલ્યાણ નિર્ણયો લઇને પોષણક્ષમ દામ, નવિનત્તમ ફર્ટીલાઇઝર, કેમિકલ્સ, વેલ્યુ એડીશનની વિવિધ પધ્ધતિઓથી જગતના તાતને સમૃધ્ધ કર્યા છે, તેની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે.
કૃષિ ઉત્પાદન વધે સાથે જ ખેતીવાડી ક્ષેત્રે સ્વરોજગાર-આર્થિક આધાર વધારવાનું સાતત્યપૂર્ણ માધ્યમ બને તેવી સ્થિતી સરકારે ‘સ્કાય’ યોજના ખેડૂતને સૌર ઊર્જાથી ખેતી માટે વીજળી ઉત્પાદન અને વધારાની વીજળી વેચીને આર્થિક આધાર આપવા શરૂ કરી છે.
મુખ્યમંત્રીએ ગુજરાતને આંગણે યોજાઇ રહેલા આ એગ્રી એશિયાએ રાજ્યના ખેડૂતો માટે ખેતીલક્ષી અદ્યતન જ્ઞાન-ભંડાર ઘર આંગણે ખોલી આપ્યો છે તે માટે આનંદ વ્યકત કર્યો હતો.