હત્યાના આરોપીની સજાને પડકારતી અપીલ ગ્રાહ્ય રાખતા હાઇકોર્ટના જસ્ટિસ અભિલાષાકુમારી અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે અત્યંત મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં નોંધ્યું હતું કે,’અપૂર્ણ કે પૂર્ણ ખાતરી કર્યા વિનાના પુરાવાના આધારે આરોપીને જન્મટીપ જેવી કઠોર સજા ફટકારવી એ જોખમી બાબત છે. આ કેસમાં શંકા અને પુરાવાની કાયદાકીય ખાતરી વચ્ચે કોઇ સૂત્રતા જણાતી નથી. આરોપીને દોષિત ઠેરવી સજા ફટકારતા પહેલા ’મે બી ટ્રૂ’(કદાચ સત્ય) અને ’મસ્ટ બી ટ્રૂ’(ચોક્કસ સત્ય) વચ્ચેના અંતરની સ્પષ્ટ અને ખાતરીપૂર્ણ પુરાવાથી પૂર્તતા થવી આવશ્યક છે. જો કે, ટ્રાયલ કોર્ટનો ચુકાદા વિકારગ્રસ્ત અને કાયદાની દ્રષ્ટિએ ગ્રાહ્ય રાખનારો ના હોવાથી તેને ટકી શકે તેમ નથી. પરિણામે અપીલ ગ્રાહ્ય રાખવામાં આવે છે. ટ્રાયલ કોર્ટનો ચુકાદો રદબાતલ ઠેરવવામાં આવે છે અને તેને ૩૦૨(હત્યાની ધારા)ના આરોપમાંથી મુકત કરવામાં આવે છે.’
આ સમગ્ર મામલે ઇરફાન મોહમ્મદે હાઇકોર્ટ સમક્ષ અપીલ કરીને વર્ષ ૨૦૧૪માં દાહોદના એડિશનલ સેશન્સ જજે ફટકારેલી જન્મટીપની સજાને પડકારી હતી. આ કેસની હકીકત એવી હતી કે,’વર્ષ ૨૦૧૧માં પુનમચંદ ઉર્ફે રમણલાલ પંચાલે એવી ફરિયાદ નોંધાવી હતી કે,નિવૃત્ત્િ। પછી તેઓ બે વર્ષથી ફતેપુરા ખાતે ભાડાના મકાનમાં રહેતા હતા. તેમનો પુત્ર વિરેન (મૃતક) સુખસરમાં રહેતો અને ત્યાં ધંધો કરતો હતો. ૨૦૦૨માં વીરેને દીપમાલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા બે-અઢી વર્ષથી તે પિતાના ભાડાના મકાનમાં સાથે રહેતો હતો. ત્યારબાદ એક દિવસે તે સુખસર જવા નીકળી ગયો હતો. ૨૮-૧૦-૧૧ના રોજ પુનમચંદને વીરેનનો ફોન આવ્યો કે તે હોસ્પિટલમાં છે. તેણે વધુ કંઇ કહ્યું નહોતું. ત્યારબાદ બીજા દિવસે વીરેનની પત્નીનો ભાઇ અને અન્યો વીરેનને બેભાન હાલતમાં તેમના ઘરે મૂકીને ચાલ્યા ગયા હતા. વીરેનને હોસ્પિટલ લઇ ગયા જયાં તેને મૃત જાહેર કરાયો હતો.
આ પ્રકરણમાં કેયુર પંચાલ, દીપમાલા, ભોપો અને ઇરફાન મોહમ્મદને આરોપી તરીકે ફરિયાદમાં દર્શાવ્યા હતા. જેમાં પહેલા ત્રણ આરોપીઓની અરજીના આધારે તેમને સાક્ષી બનાવાયા અને મુકત કરવામાં આવ્યા હતા. માત્ર ઇરફાન જ આરોપી રહ્યો. ત્યારબાદ તેની સામે ચાર્જશીટ થઇ હતી અને તેણે ગૂનો નહીં કર્યાનું જણાવતા ટ્રાયલ થઇ હતી. જેમાં મૃતક વીરેનની પત્ની દીપમાલા કે જે હોસ્ટાઇલ થઇ હતી, તેના નિવેદનના આધારે ટ્રાયલ કોર્ટે કોઇ પણ પુરાવાના તારતમ્ય, શંકા-કુશંકા અને કાયદાની સ્ટાન્ડર્ડ પ્રક્રિયા બાજુએ મૂકીને ઇરફાનને દોષિત ઠેરવી સજા ફટકારી હતી.