કલોલના મહેન્દ્રમીલ રોડ પર ગણેશ પાર્ટી પ્લોટ ખાતે અખિલ ભારતીય કિન્નર સમાજનું સંમેલન યોજાઇ રહ્યું છે. ભાઇ બીજના દિવસથી ચાલુ થયેલા સંમેલનમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ૩ હજાર કિન્નરો ઉમટી પડ્યા છે. સોળ શણગારે સજેલા કિન્નરોને જોઇ રાહદારીઓ પર અંચબિત થવા પામ્યા છે. તેમની સુરક્ષા માટે પાર્ટી પ્લોટમાં બાઉન્સરોથી વ્યવસ્થા કરાઇ છે.
આ સંમેલનમાં રોજ ડાન્સ, ગરબા અને નૃત્યો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આ સંમેલનને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.
કાર્યક્રમના આયોજક નાયક વસંતીદે (ચકુમાસી)એ જણાવ્યું હતું કે ૧૫ દિવસીય આ મહા સંમેલનમાં દેશભરમાંથી પધારેલા કિન્નરો દ્વારા માતાજીના નવચંડી મહાયજ્ઞ તેમજ પોત પોતાના પ્રાંત કે શહેરના પરંપરાગત વેશ સાથે ગરબા, ભાંગડા, રાજસ્થાની ઘુમ્મર, ડાન્સ પાર્ટી જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં નાયક મધુદે, નાયક ઇચ્છાદે તેમજ અમદાવાદના ભાવનાદે કશીસદે, નાયક સુધાદે અને લીલાદે અને ડઇદે, નાયક મજુલાદે સહીત અગ્રણીએ સાથ સહકાર આપ્યો હતો.
નાયક મધુદેના જણાવ્યા પ્રમાણે સમાજના દરેક લોકો પોતાના ઘરમાં લગ્ન પ્રસંગ હોય, ઘરનું વાસ્તુ હોય, જન્મદીન હોય કે અન્ય કોઇ પ્રકારની પાર્ટી હોય ત્યારે ઘરના સૌ સભ્ય સાથે મળી કાર્યક્રમ કરતા હોય છે. અમારા માટે તો મા-બાપ કે પરિવાર બધુ જ અમારો આ સમાજ છે. આવા પ્રસંગે અમે સૌ સાથે મળીને ઉત્સાહભેર ઉમંગથી સાથે મળી કાર્યક્રમ ઉજવીએ છીએ. તેમજ અંદરો અંદર થયેલ ઝઘડાઓનું નીરાકરણ પણ સાથે મળીને લાવીએ છીએ.