દેશમાં પહેલી વાર ભારતીય વાયુસેનાના તેજસ વિમાનમાં સફળતાપૂર્વક એરિયલ રિફયૂલિંગ કરવામાં આવ્યું. આ પ્રક્રિયા મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ર૦,૦૦૦ ફૂટની ઊંચાઇ પર સવારે ૯-૩૦ કલાકે પૂરી થઇ. તેની સાથે જ ભારત લડાકુ વિમાનો માટે એર ટુ એર સિસ્ટમ વિકસાવનાર દેશોના સમૂહમાં સામેલ થઇ ગયો છે.
વાયુસેનાના જણાવ્યા મુજબ લાઇટ કોમ્બેટ એરક્રાફટ તેજસ એએસપી-૮માં વાયુસેનાના આઇએલ-૭૮ ટેન્કર વિમાનથી ૧૯૦૦ કિલોગ્રામ ઇંધણ ભરવામાં આવ્યું. આ દરમિયાન તેજસની ગતિ ર૭૦ નોટ એટલે કે પ૦૦ કિ.મી. પ્રતિકલાક હતી. રિફ્યૂલિંગ દરમિયાન તેજસની કમાન વિંગ કમાન્ડર સિદ્ધાર્થસિંહના હાથમાં હતી.
ગ્વાલિયર સ્ટેશનથી એચએએલ અને એડીએએ આ પ્રક્રિયાનું ધ્યાન રાખ્યું. આ સ્વદેશી લડાકુ વિમાનને હિંદુસ્તાન એરોનોટિક્સ લિ.એ તૈયાર કર્યું છે. કંપનીના ચેરમેન અને એમડી આર. માધવને કહ્યું કે તેજસને એરિયલ રિફ્યૂલિંગ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે સફળ સાબિત થયુું.
આર. માધવનના જણાવ્યા મુજબ આ ઉપલબ્ધિ સાથે ભારત એ પસંદગીના દેશોમાં સામેલ થયું છે, જેણે સૈન્ય વિમાનોમાં એર ટુ એર રિફ્યૂલિંગની પ્રણાલી વિકસાવી છે. ત્રણ મહિના પહેલાં એર ટુ એર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.