પ્રતિવર્ષ સમગ્રદેશમાં ૧૪ સપ્ટેમ્બરનો દિવસ અખિલ હિન્દ અંધજન ધ્વજદિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ભાવનગર શહેરમાં પ્રજ્ઞાચક્ષુઓનાં સર્વાંગી વિકાસ અને પુનઃવસન માટે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત સંસ્થા રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લાશાખા દ્વારા તા.૧૪ થી ૨૦ સપ્ટેમ્બર સુધી અખિલ હિન્દ અંધજન ધ્વજદિન સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. જે અંતર્ગત આજ રોજ ઘોઘાગેઈટ, ભાવનગર ખાતે શહેરના મેયરએ જનજાગૃતિ બુથનું દીપ પ્રાગટ્ય દ્વારા ઉદઘાટન કરી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના જનરલ સેક્રેટરીશ્રી લાભુભાઈ સોનાણીએ સંસ્થાની પ્રવૃત્તિઓ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે – આ મહોત્સવનો હેતુ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓનાં હિતાર્થે ફંડ એકત્રીકરણ કરી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને પગભર બનાવવાનો છે. સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લાનાં જુદા-જુદા વિસ્તારોનાં જરૂરીયાત મંદ પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી કેબીનો ફાળવી પગભર બનાવેલ છે તેમજ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ સામાન્ય સમાજ સમક્ષ આવે અને સમાજનાં લોકોમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે સંવેદના જાગે, સમાજની વિચારધારા બદલાય તે છે. આ ઉપરાંત તેઓએ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાનાર વિવિધ કાર્યક્રમો, ફંડ એકત્રિત કરવાની પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી હતી.
અત્રે નોંધવું ઘટે કે-આ પ્રકારનો જનજાગૃતિ બુધ આગામી તારીખ ૧૭-૦૯-૨૦૧૮ ના રોજ નિર્મળનગર ખાતે પણ ખુલ્લું મુકવામાં આવશે તેવી માહિતી સંસ્થાના મીડિયા વિભાગ દ્વારા મળી હતી.
આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના સહમંત્રી મહેશભાઈ પાઠકે કર્યું હતું જ્યારે આભાર દર્શન રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષક રમેશભાઈ બારડે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાનાં કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.