ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં તા. ૩૧ને મંગળવારે તુલસી વિવાહની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવશે. દેવદિવાળીના પવિત્ર દિવસે ઠાકોરજી અને તુલસીનાં વિવાહ યોજાશે. આ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.વિંછીયાના રોકડીયા હનુમાનજી મંદિર ખાતે શુભ તુલસી વિવાહનું આયોજન કરાયું છે. કારતક સુદ-૧૧ને ૩૧-૧૦ ના આ ભગવાન શાલીગ્રામ અને તુલસી માતાના લગ્ન મહોત્સવ યોજાશે. આ પ્રસંગે તા. ૩૧ ના સાંજના ૭ વાગ્યે પોરિયાળી મુકામેથી ભડેરી જાન વિંછીયા પધારશે. રાત્રે હસ્ત મેળાપ યોજાશે. બીજા દિવસે સવારે ભોજન સમારંભ યોજાશે. ભાવનગરના ભરતનગર ખાતે છેલ્લા ર૦ વર્ષથી તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ભગવાન લાલજી મહારાજના લગ્ન ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. મંડપ મૂહૂર્ત ૩૧ મીને મંગળવારના રોજ સવારે ભરતનગર ખાતે યોજાશે. જયારે જાન પ્રસ્થાન સાંજે થશે.
જાન ભરતનગરના રાજમાર્ગો પર ફરી સીતારામ ચોક, જૂના બેમાળીયા, ભવાનીમાતા મંદિર લગ્ન સ્થળે પહોંચશે. આ ઉપરાંત રાજકોટ, જામનગર, કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે