શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. આપઘાત કરી લેનાર પીએસઆઈનું નામ એસ.એસ. જાડેજા છે. પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.
પીએસઆઈના આપઘાત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પીએસઆઈ અલકાપુરી પોલીસ ચોકીમાં ફરજ બજાવી રહ્યા હતા. આપઘાત પહેલા પીએસઆઈએ એક સુસાઈડ નોટ પણ લખી હતી.મળતી માહિતી પ્રમાણે સુસાઈડ પહેલા પીએસઆઈએ ડાયરીમાં સુસાઈડ નોટી લખી હતી. પીએસઆઈએ ડાયરીમાં નોંધ્યું છે કે, “મારાથી પીએસઆઈની નોકરી થાય તેમ નથી, મને માફ કરજો.”
વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે આ અંગે જણાવ્યું કે, “સંજયભાઈ જાડેજા શહેરના નામી પીએસઆઈમાંથી એક હતા. તેમણે સવારે સરકારી પિસ્ટલમાંથી ગોળી મારીને આપઘાત કરી લીધો છે. તેની ડાયરીનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેનો મોબાઈલ ફોન એફએસએલમાં મોકલવામાં આવશે. તેઓ એન્ટી ચેઇન સ્નિચિંગ ટીમના લીડર હતા. બે દિવસથી જ ક્રાઇમ બ્રાંચમાં જોડાયા હતા. તપાસ બાદ તેમના મોતના કારણ અંગે વધારે કંઈ કહી શકાશે.”