આચારસંહિતાનું ઉલ્લંઘન રોકવા માટે  ઇલેકશન ઍપ લાવશે ચૂંટણીપંચ

779

ચૂંટણીપંચ કમિશનર ઓ. પી. રાવતે જણાવ્યું હતું કે જે દિવસે મધ્ય પ્રદેશ, છત્તિસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં ચૂંટણી જાહેર થશે, એ દિવસે મતદારોને આચારસંહિતાનું ઉલ્લંઘન કરતા ઉમેદવારો અને રાજકીય પક્ષોને રોકવા માટે ઇલેકશન ઍપ વાપરવા મળશે. સી-વિજિલ નામની આ ઍપ મતદારોને આચારસંહિતાના ફોટા પાડવા અને વીડિયો ઉતારીને સંબંધિત ચૂંટણી અધિકારીને મોકલી આપવાનો હક આપશે. આ સિવાય આ ઍપ દ્વારા ફરિયાદના ચોક્કસ સ્થળના અક્ષાંસ અને રેખાંશ પણ જાણી શકાશે. રાવતે આ વિશે જણાવ્યું હતું કે ૧૦૦ મિનિટની અંદર ફરિયાદીને એની ફરિયાદ પર શા પગલાં લેવાયા એ જણાવાશે. જેવી ફરિયાદ ઇન બોક્સમાં આવશે કે તુરંત જ ચૂંટણી અધિકારી કે નાયબ ચૂંટણી અધિકારી થોડીક જ મિનિટોમાં એ તપાસીને એફઆઇઆર દાખલ કરવા સહિતના પગલાં લેશે. આ ઍપનો દુરુપયોગ થવાની શક્યતા ઘણી ઓછી છે. કર્ણાટકની ચૂંટણી વખતે પાઇલટ પ્રોજેક્ટ તરીકે આ ઍપનો ઊપયોગ બૅંગલોરમાં કરાયો હતો. હવે લોકસભાની ચૂંટણી અગાઉ આ મોટો પાઇલટ પ્રોજેક્ટ છે.

જોકે, ગુગલ પ્લે સ્ટોર અને ચૂંટણીપંચની વેબસાઇટ પરથી આ ઍપ ડાઉનલોડ કરી શકાશે, પણ એ જે રાજ્યમાં ચૂંટણી જાહેર કરાશે ત્યાંજ વાપરી શકાશે. ઍપમાં એવી વ્યવસ્થા છે કે ફરિયાદ કરનાર એ ટીક કરીને પોતાનું નામ અને મોબાઇલ નંબર ગુપ્ત રાખી શકશે. ચૂંટણીપંચ મતદારને આચારસંહિતાના કોઇપણ જાતના ઉલ્લંઘન સામે સશક્ત બનાવવા માગે છે. જો તમે કોઇ શક્તિશાળી નેતા સામે ફરિયાદ કરવા જતા હો, તો તમારું નામ ગુપ્ત રાખવાનો ઓપ્શન ટીક કરી શકાશે. આ મામલે એમણે વધુમાં જણાવ્યું હતું કે અન્ય કોઇ ઠેકાણેથી ફોટા કે વીડિયો ડાઉનલોડ કરીને મોકલનારની ફરિયાદ રદ કરાશે અને એ વાતની એને જાણ કરવામાં આવશે.

Previous articleમોદીના જન્મદિવસે દિનભર શુભેચ્છાઓનો વરસાદ રહ્યો
Next articleપેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગ યથાવત : લોકો પરેશાન