બોટાદ નગર પાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસ દરમિયાન નોંધપાત્ર અને લોક લક્ષી કાર્યો દ્વારા પ્રજાજનોમાં તંત્રની ઉજળઈ છાપ ઉભી કરી છે.
બોટાદ નગરપાલિકામાં પાંચાભાઈ માળી નામના ચીફ ઓફિસરએ થોડા સમયપૂર્વે જ બોટાદ નગરપાલિકાના ચીફ અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યો છે. પરંતુ આ અધિકારીએ સત્તાનું સુકાન સંભાળતાની સાથે જ પોતાની કાર્ય પધ્ધતિનો શ્રેષ્ઠ પરિચય આપ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી બોટાદ શહેરમાં નગરપાલિકા દ્વારા કરાઈ રહેલ વિવિધ કામગીરીની લોકો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે પ્રથમ દિવસે શહેરમાં ગેરકાયદે ખડકાયેલ દબાણો દુર કરવામાં આવ્યા બીજા દિવસે વેરા વસુલાત સંદર્ભે હોટલ પંચવટી સહિતના વ્યવસાયી એકમો સિલ કરવામાં આવ્યા અને આજરોજ બોટાદ નગર સેવા સદન પાસે દાંતનું દવાખાનું ધરાવતા ડો. મોહનભાઈ પટેલ તથા મહિલા કોલેજ પાસે કલીનિક ધરાવતા એમ.ડી. ફિઝીશ્યન ડો. આર.વી.લકુમ દ્વારા મેડીકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ બંન્ને તબીબો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બંન્ને ડોકટરોને રૂા.૧૧ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કામગીરીને લોકોએ યોગ્ય ઠેરાવી હતી તથા નગરપાલિકા વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર હજુ આગામી દિવસો દરમિયાન આ પ્રકારે કાર્યવાહી શરૂ જ રહેશે.