ખેડૂત વિરોધી ભાજપ સરકાર ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં નિષ્ફળ નીવડી છે. પાક વીમા યોજનાનું ખાનગીકરણ કરીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા મળતિયાઓને લૂંટવાની છૂટ આપી છે. જમીન રી-સર્વેમાં સેટેલાઈટ માપણીથી ખેડૂતોની જમીનોના શેઢાના હદ નિશાન અને ક્ષેત્રફળમાં વિસંગતતા ઉભી કરવામાં આવી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાતા નથી, ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈને આત્મહત્યા કરી રહયા છે, ત્યારે ‘ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, નહીં તો ભાજપને સાફ કરવામાં આવે’ તેવા સંકલ્પ સાથે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ વિધાનસભા ઘેરાવ માટે ‘ખેડૂત આક્રોશ રેલી’ના કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સમગ્ર ગુજરાતના પાયાના ખેડૂત આગેવાનોને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ અભિનંદન પાઠવ્યા હતા.
ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આગેવાનો, કાર્યકર્તાઓ, ખેડૂત સમાજના પ્રતિનિધિઓને ઘરમાં નજરબંધ કર્યા, ગામમાં નજરબંધ કર્યા, વાહનમાં નજરબંધ કરીને ખેડૂતોના આક્રોશ અને એની વેદનાને રોકવાનો નિરર્થક પ્રયાસ કર્યો અને તેમ છતાં હજારો કાર્યકર્તાઓ ગાંધીનગરમાં ધસી આવ્યા અને વિધાનસભા ઘેરાવ તરફ આગળ વધતાં પોલીસના અમાનુષી અત્યાચારનો ભોગ બન્યા, જેમાં કોઈના હાથ તૂટયા, કોઈના પગ તૂટયા, કોઈના માથામાં ટાંકા આવ્યા તેવી સ્થિતિનું નિર્માણ ભાજપ સરકારે કર્યું છે.
ત્યારે મગફળીકાંડમાં મલાઈ કોણ તારવી ગયું ? એ સવાલનો જવાબ ભાજપ સરકાર આપવામાં નિષ્ફળ નીવડી છે. આવતા દિવસોમાં ગરીબ ગામડા અને ખેડૂતોની સમસ્યાઓની લઈને ‘દિવસ થોડા અને કૌભાંડ ઝાઝા’ કરનાર ભાજપ સરકારને સબક શીખવાડવા માટે વિધાનસભાની અંદર અને બહાર કોંગ્રેસ પક્ષ સત્તા અને સંગઠન સાથે મળી લડતો રહેશે.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો, ખેડૂત આગેવાનોએ એની વેદનાને વાચા આપવા માટે ભાજપ સરકારે બિછાવેલ જાળને તોડીને ઘરની નજરબંધી હોય, ગામની નજરબંધી હોય, વાહનની નજરબંધી હોય તેની વચ્ચેથી બચી વિધાનસભા સુધી પહોંચવાનો સફળ પ્રયાસ કર્યો છે અને સફળતા માટે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ, સામાજીક આગેવાનો, રાજકીય અને ખેડૂત આગેવાનો અભિનંદનને પાત્ર છે. કોંગ્રેસ પક્ષ સહુ સાથે મળીને ‘લડશે ગુજરાત, જીતશે ગુજરાત’ એવા સંકલ્પ સાથે આવતા દિવસોમાં આગળ વધશે.
વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, વિધાનસભાની અંદર નિષ્ફળતાઓને છૂપાવવા માટે દિવસો ઘટાડનાર ભાજપ સરકાર પાસે વારંવારની માંગણી છતાં વિધાનસભાના દિવસો, કલાક સતત ઘટતા આવ્યા છે. આવતીકાલના એક દિવસમાં માત્ર બે સત્રની વચ્?ચે ગુજરાતના લોકોની હાડમારી, શિક્ષણનું ખાનગીકરણ, આરોગ્યની કથળતી સેવા, યુવાનોને બેરોજગારીનો માર, ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાયેલા છે અને દિવસ ઉગે અને સરકારી તિજોરીને લૂંટવા કૌભાંડ કરનારી ભાજપ સરકાર એ મગફળીકાંડમાં મલાઈ કોણ તારવી ગયું ? રાજ્યની રૂપાણી સરકાર કે કેન્દ્રની મોદી સરકાર ? એ સવાલ લઈ અમે આવતીકાલે વિધાનસભા માં અમારી વાત રજૂ કરવાનો પ્રયાસ કરીશું.