ભારતે એશિયા કપ ૨૦૧૮માં પોતાની બીજી મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. કેપ્ટન રોહિત શર્માએ આ જીતનો શ્રેય બોલરોને આપ્યો છે. રોહિતે કહ્યું કે ટીમ હોંગકોંગ સામેની મેચમાં કરેલી ભૂલોથી શીખીને પોતાની રમત સુધારવામાં સફળ રહી. હોંગકોંગે પહેલી મેચમાં ભારતને જીત માટે સંઘર્ષ કરાવ્યો હતો, પરંતુ ભારતે પાકિસ્તાનને ૧૨૬ બોલ બાકી રહેતા સરળતાથી ૮ વિકેટે પરાજય આપી દીધો છે. પાકિસ્તાની ટીમ ફક્ત ૧૬૨ રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે ૨૯ ઓવરમાં આસાનીથી આ લક્ષ્ય પાર પાડ્યું હતુ.
પાકિસ્તાનનાં કપ્તાન સરફરાઝ અહમદે કહ્યું કે, અમારી શરૂઆત સારી ના રહી. અમે પહેલી ૫ ઓવરમાં ૨ વિકેટ ખોઈ અને ત્યારબાદ પણ સમયાંતરે વિકેટ ખોતા રહ્યા અને મેચ પર પકડ જમાવી ના શક્યા. તમે કહી શકો છો કે અમે ખરાબ બેટિંગ કરી.” સરફરાઝે કહ્યું કે, “બાબર આઝમને છોડીને અમે સરળતાથી વિકેટ ખોઈ. આ માટે અમારે જોવું પડશે કે ભવિષ્યમાં અમારે કઇ રીતની બેટિંગ કરવાની છે. અમે બે સ્પિનરો માટે તૈયારી કરી હતી, પરંતુ ત્રીજા સ્પિનર(જાધવ)એ અમારી વિકેટો નીકાળી. સુપર ફોર પહેલા આ આંખો ખોલનારી મેચ રહી.